ઇન્દિરા ગાંધીએ પણ શેખ હસીનાને ઘરમાં આપ્યો હતો આશરો, ગાંધી પરિવાર સાથે મજબૂત સંબંધ
Image: Facebook
Sheikh Hasina Gandhi Family Relationship: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી અને શેખ હસીના ઉત્સાહભેર એકબીજાને મળ્યા. આ દરમિયાન શેખ હસીના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ગળે મળ્યા અને વાતચીત કરી. શેખ હસીનાની ઇન્દિરા ગાંધીએ તે સમયે મદદ કરી હતી જ્યારે બાંગ્લાદેશમાં તેમના પિતા શેખ મુજીબુરની હત્યા કરીને તખ્તાપલટ કરી દીધા હતા. તે સમયે ઇન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારતમાં આશરો આપ્યો હતો.
15 ઑગસ્ટ 1975એ બાંગ્લાદેશમાં થયું હતું તખ્તાપલટ
15 ઑગસ્ટ 1975 શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ બાંગ્લાદેશમાં તખ્તાપલટ કરી દેવાયું હતું. તે સમયે શેખ હસીના, તેમના પતિ ડૉક્ટર વાજેદ અને બહેન રેહાના બ્રસેલ્સમાં બાંગ્લાદેશના રાજદૂત સનાઉલ હકના ત્યાં રોકાયા હતા. ત્યારે સવારે સનાઉલ હકનો ફોન રણક્યો અને સામે જર્મનીમાં બાંગ્લાદેશના રાજદૂત હુમાયુ રશીદ ચૌધરી હતા અને તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં સૈનિક વિદ્રોહ થઈ ગયો છે અને શેખ મુજીબરની હત્યા કરી દેવાઈ છે.
ભારતમાં આશરો અપાયો હતો
જે બાદ શેખ હસીના તેમના પતિ ડૉક્ટર વાજેદ અને તેમની બહેન રેહાનાની સામે એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે તેઓ હવે ક્યાં જાય. ત્યારે હુમાયુ રશીદ ચૌધરીએ કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શેખ હસીનાને આશરો આપવા માટે કહેશે. આ મુદ્દે ઇન્દિરા ગાંધી સાથે વાત કરવામાં આવી અને તેમણે શેખ હસીનાને આશરો આપવા માટે હા પાડી. તે સમયે ભારતમાં ઇમરજન્સી લાગુ થઈ હતી.
24 ઑગસ્ટ 1975એ શેખ હસીના ભારત આવ્યા હતા
જે બાદ 24 ઑગસ્ટ 1975એ એર ઇન્ડિયાની ફ્લાઇટથી શેખ હસીના અને તેમનો પરિવાર દિલ્હીના પાલમ ઍરપોર્ટ પહોંચ્યા હતા. તેમને કેબિનેટના એક સંયુક્ત સચિવે રિસીવ કર્યા હતા અને પહેલા તેમને રો ના 56, રિંગ રોડ સ્થિત સેફ હાઉસ લઈ જવાયા હતા. તે બાદ 4 સપ્ટેમ્બરે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે વડાપ્રધાન આવાસમાં મુલાકાત કરી હતી.
તેમના પતિ ડૉ. વાજેદને પરમાણુ ઉર્જા વિભાગમાં ફેલોશિપ આપવામાં આવી હતી
આ મુલાકાતના થોડા દિવસ બાદ શેખ હસીનાને ઇન્ડિયા ગેટ નજીક પંડારા પાર્ક સી બ્લોકમાં એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે તે બહારના લોકો સાથે વધુ મળે નહીં અને ઘરેથી ઓછું બહાર નીકળે. તે બાદ 1 ઑક્ટોબર 1975એ શેખ હસીનાના પતિ ડૉક્ટર વાજેદને પરમાણુ ઉર્જા વિભાગમાં ફેલોશિપ પણ આપવામાં આવી હતી.
મોરારજી દેસાઈએ પણ શેખ હસીનાની મદદ કરી હતી
1977માં થયેલી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હાર બાદ મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. રિપોટ્સ અનુસાર રોના અભિયાનોમાં તત્કાલીન વડાપ્રધાન ખાસ રસ લેતા નહોતા પરંતુ 'બંગબંધુ શેખ મુજીબુર રહમાન' અનુસાર મોરારજી દેસાઈ શેખ હસીના અને તેમના પતિને ઑગસ્ટ 1977માં મળ્યા હતા, જ્યારે શેખ હસીનાએ તેમની બહેન રેહાનાને દિલ્હી બોલાવવામાં મદદ માગી હતી. મોરારજી દેસાઈએ રેહાનાના દિલ્હી આવવાની વ્યવસ્થા કરાવડાવી હતી. રેહાના ડિસેમ્બરના બીજા અઠવાડિયે દિલ્હી આવી હતી.
ધીમે-ધીમે શેખ હસીનાની સુરક્ષા પાછી ખેંચાઈ
રિપોર્ટ અનુસાર શેખ હસીનાની મદદ બાદ ધીમે-ધીમે મોરારજી દેસાઈ તેમની સુરક્ષા ઓછી કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે તેમની પર દબાણ નાખવામાં આવ્યું હતું કે તેઓ આપમેળે જ ભારત છોડીને જતાં રહે. પહેલા તેમની વીજળીનો વપરાશ રોકવામાં આવ્યો અને પછી તેમને આપવામાં આવી રહેલી વાહનની સુવિધાને પણ પાછી લેવામાં આવી હતી. જોકે, 1980માં એક વાર ફરી ઇન્દિરા ગાંધી સરકારમાં આવ્યા હતા અને જે બાદ શેખ હસીનાને કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો નહોતો.
ભારતમાં લગભગ 6 વર્ષ રહ્યા બાદ 17 મે 1981એ શેખ હસીના પોતાની પુત્રી સાથે ઢાકા જતાં રહ્યા હતા. ઢાકામાં લગભગ 15 લાખ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.