FOLLOW US

વીજળીની ઝડપે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની જરૂર શું હતી : સુપ્રીમ

Updated: Nov 24th, 2022


- રાતોરાત નિમણૂક અંગે કેન્દ્રનો જવાબ સંતોષકારક નથી

- ચૂંટણી પંચમાં 15મી મેથી ખાલી કમિશનરના પદ માટે 18મી નવે.એ પ્રક્રિયા શરૂ થઈ, એ જ દિવસે પૂરી પણ થઈ ગઈ : સુપ્રીમ

નવી દિલ્હી : ચૂંટણી પંચમાં સુધારા અને સ્વાયત્તતા મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની અસલ ફાઈલની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે વીજળીક ગતિએ ચૂંટણી કમિશનરની નિમણૂક કેમ કરવામાં આવી? ૨૪ કલાકની અંદર નિમણૂકની બધી જ પ્રક્રિયા પૂરી કરી લેવાઈ ? કયા આધારે કાયદા મંત્રીએ ચાર નામ શોર્ટ લીસ્ટ કર્યા? આ સવાલો સાથે સુપ્રીમ કોર્ટે સુનાવણીના અંતે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.

ચૂંટણી પંચમાં સુધાર અને સ્વાયત્તતાના મુદ્દે ન્યાયાધીશ કેએમ જોસેફના અધ્યક્ષપદે બંધારણીય બેન્ચ સમક્ષ ચાર દિવસ ચાલેલી સુનાવણી પછી કોર્ટે તેનો ચૂકાદો અનામત રાખ્યો છે. આ બેન્ચમાં ન્યાયાધીશો અજય રસ્તોગી, અનિરૂદ્ધ બોસ, ઋષિકેશ રોય અને સીટી રવિકુમારનો સમાવેશ થાય છે. બેન્ચે બધા જ પક્ષકારોને લેખિતમાં દલીલો રજૂ કરવા માટે પાંચ દિવસનો સમય આપ્યો છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શી રીતે નિમણૂક માટે એક સ્વતંત્ર પેનલની રચના કરવામાં આવે કે નહીં.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ કેસમાં સુનાવણી દરમિયાન ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સવાલ ઉઠાવ્યો હતો. અરૂણ ગોયલની નિમણૂકની ફાઈલ જોયા પછી સુપ્રીમ કોર્ટે તેમની નિમણૂક પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વીજળીક ગતિએ ગોયલની નિમણૂક પર કામ કેમ થયું છે? ચૂંટણી કમિશનરનું પદ ૧૫ મેથી ખાલી હતું. ત્યાર પછી અચાનક ૨૪ કલાક કરતા ઓછા સમયમાં આ પદ માટે નામ મોકલવાથી લઈને મંજૂરી આપવા સુધીની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ. ૧૫ મેથી ૧૮ નવેમ્બર વચ્ચે શું થયું? કયા આધારે કાયદા મંત્રીએ ૪ નામ પસંદ કર્યા?

આ કેસની સુનાવણી કરતા બેન્ચે સવાલ કર્યો કે કાયાદ મંત્રીએ જે ૪ નામ મોકલ્યા, તે નામોમાં શું વિશેષ બાબત છે. તેમાંથી સૌથી જૂનિયર અધિકારીની જ કેમ પસંદગી કરવામાં આવી. નિવૃત્ત થઈ રહેલા અધિકારીએ આ પદ પર આવતા પહેલા જ વીઆરએસ પણ લઈ લીધું. બેન્ચે ઉમેર્યું કે, કાયદા મંત્રીએ ચારમાંથી એક નામ પસંદ કર્યું, તેની ફાઈલ ૧૮મી નવેમ્બરે રજૂ કરાઈ, ત્યાં સુધી કે વડાપ્રધાને પણ એ જ દિવસે નામની ભલામણ કરી દીધી. અમે કોઈ સંઘર્ષ ઈચ્છતા નથી, પરંતુ શું આ ઉતાવળમાં લેવાયેલું પગલું હતું. છેવટે આટલી ઉતાવળ શેના માટે હતી? સરકાર પર એવું કયું દબાણ હતું કે જે દિવસે પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ, તે જ દિવસે પૂરી પણ થઈ ગઈ? જોકે, આ સમયે બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તે અરૂણ ગોયલની લાયકાત સામે સવાલ નથી કરી રહ્યા, માત્ર પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

જોકે, એટર્ની જનરલે કહ્યું કે, પ્રક્રિયામાં કશું જ ખોટું થયું નથી. પહેલા પણ ૧૨થી ૨૪ કલાકમાં નિમણૂકો થઈ છે. આ નામ ડીઓપીટીના ડેટાબેઝમાંથી લેવાયા હતા. નામ પસંદ કરતી વખતે વરિષ્ઠતા, નિવૃત્તિ, વય વગેરે જોવામાં આવે છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા છે. વયની જગ્યાએ બેચના આધારે વરિષ્ઠતા માનવામાં આવે છે. નોંધપાત્ર છે કે ત્રણ દિવસ પહેલાં જ ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે અરૂણ ગોયલની નિમણૂક થઈ હતી. પંજાબ કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગોયલે શુક્રવારે જ ઉદ્યોગ સચિવના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને બીજા દિવસે ચૂંટણી કમિશનર પદે તેમની નિમણૂક થઈ હતી.

બધી જ નિમણૂકોમાં બંધારણના ધજાગરા ઉડે છે : કોંગ્રેસ

ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે કોંગ્રેસે સરકારની ટીકા કરતા આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા થતી લગભગ બધી જ નિમણૂકો અને નિર્ણયો કોઈની પણ સાથે ચર્ચા-મસલત કર્યા વિના બંધારણના ધજાગરા ઉડાડીને લેવામાં આવે છે. કોંગ્રેસના મીડિયા ઈન-ચાર્જ પવન ખેરાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકમાં 'ખૂબ જ ઉતાવળ' થઈ હોવાનું નિરીક્ષણ કર્યું છે. જોકે, તેમાં નવું કશું નથી. કેન્દ્ર સરકાર દ્વારા થતી બધી જ નિમણૂકો અને નિર્ણયો બંધારણના ધજાગરા ઊડાડવામાં આવે છે.

Gujarat
English
Magazines