India

શું છે 'કાર્તિગઈ દીપમ' વિવાદ? તમિલનાડુમાં થલપતિ સરકારે 5,618 પોલીસકર્મી ખડક્યા, 750 નેતા નજરકેદ!

By GS Team
24 Nov 20265 mins read
TukuTouch Logo
તમિલનાડુના મદુરાઈમાં કાર્તિગઈ દીપમ ઉત્સવને લઈ તણાવપૂર્ણ સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દીપ પ્રગટાવવાની મંજૂરી બાદ રાજ્ય સરકારે 5,618 પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. ભાજપે 750 નેતાઓને નજરકેદ કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી વિજય થલપતિની સરકાર સમક્ષ કાયદો-વ્યવસ્થા અને કોમી એખલાસ જાળવવાનો મોટો પડકાર છે, જેના કારણે રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ તેજ બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું છે 'કાર્તિગઈ દીપમ' વિવાદ? તમિલનાડુમાં થલપતિ સરકારે 5,618 પોલીસકર્મી ખડક્યા, 750 નેતા નજરકેદ!

Madurai Karthigai Deepam : તમિલનાડુના મદુરાઈમાં કાર્તિગઈ દીપમ ઉત્સવને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર આવેલા દીપસ્તંભ પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. મંગળવારે વિસ્તારમાં 5,618 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપે દાવો કર્યો છે કે તેના પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન સહિત આશરે 750 પક્ષના નેતાઓ અને હિન્દુ મુન્નાનીના હોદ્દેદારોને નજરકેદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય થલપતિના નેતૃત્વ હેઠળની સરકાર સામે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવાની સાથે કાયદો-વ્યવસ્થા અને કોમી એખલાસ જાળવી રાખવાનો મોટો પડકાર છે, જેના કારણે રાજ્યમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ તેજ બન્યા છે.

5,618 પોલીસકર્મીઓનો કાફલો અને 70થી વધુ CCTV કેમેરાથી બાજનજર

મદુરાઈમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીટીઆઈના સત્તાવાર અહેવાલ મુજબ, મંગળવારે દક્ષિણના જિલ્લાઓના 12 પોલીસ અધિક્ષકો (SP)ની આગેવાનીમાં કુલ 5,618 પોલીસકર્મીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 70થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સંવેદનશીલ સ્થળોએ બોમ્બ નિરોધક દસ્તા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અગાઉ સોમવારે મુખ્યમંત્રી વિજયે ચેન્નાઈ સ્થિત રાજ્ય સચિવાલયમાં કાયદા મંત્રી આર. નર્મલ કુમાર, એડવોકેટ જનરલ વિજય નારાયણ અને પોલીસ મહાનિદેશક (DGP) મહેશ કુમાર અગ્રવાલ સહિતના વરિષ્ઠ કાયદાકીય અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગળની વ્યૂહનીતિ પર ચર્ચા કરી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત 750 નેતાઓને નજરકેદ કરાયા હોવાનો આરોપ

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભાજપે આરોપ લગાવ્યો છે કે તેના નેતાઓ અને હિન્દુ મુન્નાનીના હોદ્દેદારોને તિરુપરંકુન્દ્રમ ટેકરી સુધી પહોંચતા અટકાવવા માટે ઘરોમાં નજરકેદ કરવામાં આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના આઈટી અને સોશિયલ મીડિયા વિંગના પ્રદેશ સચિવ શક્તિ કૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રનને તેમના ઘરમાં નજરકેદ રખાયા છે અને તેમના નિવાસસ્થાન બહાર 40થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. આ ઉપરાંત દક્ષિણ તમિલનાડુના ચાર જિલ્લાઓમાં ભાજપ અને હિન્દુ મુન્નાનીના લગભગ 750 હોદ્દેદારોને ઘરની બહાર નીકળતા રોકવામાં આવ્યા છે, તેમજ ભાજપના નેતાઓ રાજસિમ્હા અને વિનોજને પણ ટેકરી તરફ જતા અટકાવાયા છે. શક્તિ કૃષ્ણને વિજય સરકાર પર લોકોને પૂજા-અર્ચનાના અધિકારથી વંચિત રાખવાનો આરોપ મૂકી ગત વર્ષે દીપમ વિવાદ દરમિયાન થયેલી ધરપકડોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જોકે આ તમામ દાવાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યા છે.

10,000થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી બિનજરૂરી: નૈનાર નાગેન્દ્રન

તિરુપરંકુન્દ્રમ દીપથૂન વિવાદ બાદ તિરુનેલવેલી ખાતે નજરકેદ કરાયેલા તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રને પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘10,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવા બિનજરૂરી છે, ઘણા હિન્દુઓ અને ભાજપના કાર્યકરોને નજરકેદ રાખવામાં આવ્યા છે, અમે આ બાબતને વખોડી કાઢીએ છીએ.’ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગેન્દ્રન મંગળવારે કાર્તિગઈ દીપમ ઉત્સવ નિમિત્તે તિરુપરંકુન્દ્રમ જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને નજરકેદ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાંજે દીપ પ્રગટાવવામાં આવશે કે કેમ તેની ખાતરી કરવા માટે તેઓ તિરુપરંકુન્દ્રમ જવાની યોજના બનાવી રહ્યા હતા, જેના પગલે તેમના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભાજપે વધુમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશનો અમલ થઈ રહ્યો છે કે કેમ તે ચકાસવા માટે મદુરાઈ જતા અટકાવવા પોલીસે ભાજપના સંખ્યાબંધ નેતાઓ, કાર્યકરો અને હિન્દુ મુન્નાની સંગઠનના સભ્યોની અટકાયત કરી છે.

સમગ્ર જિલ્લામાં કલમ 163 લાગુ, ટેકરી પર ચઢવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર સમગ્ર મદુરાઈ જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે. જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણાના આદેશ મુજબ, સોમવારે રાત્રે 9 વાગ્યાથી 25 નવેમ્બરની સવારે 10 વાગ્યા સુધી લોકોના એકઠા થવા, વિરોધ પ્રદર્શનો, સરઘસો અને જાહેર સભાઓ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, તેમજ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર ચઢવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. મદુરાઈ અને આસપાસના જિલ્લાઓમાંથી બે સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ શકે છે અને તેનાથી ઘર્ષણ કે જાહેર શાંતિ જોખમાઈ શકે છે તેવા ગુપ્તચર અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, તિરુપરંકુન્દ્રમ મંદિર પ્રશાસન દ્વારા અધિકૃત ધાર્મિક સમારોહ, સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશ હેઠળની પ્રવૃત્તિઓ તેમજ પોલીસના નિયમન હેઠળ ટેકરી પર સ્થિત દરગાહ અને અન્ય સંસ્થાઓમાં ચાલતી નિયમિત ધાર્મિક પ્રવૃત્તિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, મદુરાઈ સિટી પોલીસ કમિશનરે 23 અને 24 નવેમ્બર માટે તિરુપરંકુન્દ્રમ ટેકરી અને આસપાસના વિસ્તારને ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનો (UAV) માટે 'રેડ ઝોન' જાહેર કર્યો છે.

નવેમ્બર 2025થી શરૂ થયેલા કાર્તિગઈ દીપમ વિવાદની પૃષ્ઠભૂમિ

કાર્તિગઈ દીપમ વિવાદનું મૂળ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર આવેલી સિકંદર બદુશા દરગાહ નજીકના પ્રાચીન પથ્થરના સ્તંભ ‘દીપથૂન’ પર દીપ પ્રગટાવવાની પરંપરા સાથે જોડાયેલું છે. આ વિવાદની શરૂઆત નવેમ્બર 2025માં થઈ હતી, જ્યારે તત્કાલીન ડીએમકે સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું કારણ આગળ ધરીને ટેકરી પર દીપ પ્રગટાવવાની મંજૂરી નકારી કાઢી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુ રામા રવિકુમારની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે દીપ પ્રગટાવવાની વિધિની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે ટીવીકે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગત 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માત્ર એક દિવસ માટે એટલે કે 24 નવેમ્બરે દીપથૂન પર પરંપરાગત દીપ પ્રગટાવવાની મંજૂરી આપી છે, પરંતુ અદાલતે આ ચુકાદામાં જમીનની માલિકી અને પરંપરાગત ધાર્મિક અધિકારો જેવા મોટા મુદ્દાઓનો અંતિમ નિકાલ કર્યો નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ સામે પુનર્વિચાર અરજી અને રાજકીય ગરમાવો

સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશ બાદ તમિલનાડુ સરકારના હિન્દુ ધાર્મિક અને ધર્માદા એન્ડોમેન્ટ વિભાગ (HR&CE) દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સોમવારે તેના પર સુનાવણી થઈ શકી ન હતી. આ સમગ્ર મામલે રાજ્યના રાજકીય પક્ષો વચ્ચે ઉગ્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે સરકારના વલણને સમર્થન આપતા આરોપ લગાવ્યો છે કે આરએસએસ, હિન્દુ મુન્નાની અને ભાજપ કોમી તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના જવાબમાં ભાજપે સરકારની પુનર્વિચાર અરજીને લઘુમતી તુષ્ટિકરણ ગણાવી છે, જ્યારે એઆઈએડીએમકેના પ્રવક્તા કોવાઈ સત્યને પણ ટીવીકે સરકાર પર ડીએમકેના માર્ગે ચાલવાનો આરોપ લગાવ્યો છે.