‘નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું’ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયૂંની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Humayun Kabir New Political Party : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અયોધ્યાની બાબરી મસ્જિદ જેવી જ નવી મસ્જિદનો શિલાન્યાસ કરીને વિવાદોમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયૂં કબીરે હવે મમતા બેનર્જી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. હુમાયૂં કબીરે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં નવી રાજકીય પાર્ટી બનાવશે અને રાજ્યની તમામ 294 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
હુમાયૂંએ બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરતા વિવાદ
ઉલ્લેખનીય છે કે, હુમાયૂં કબીરે 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના ભરતપુર વિસ્તારમાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જો અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી શકાય છે, તો અમે મુર્શિદાબાદની ધરતી પર ફરીથી બાબરી મસ્જિદ બનાવી શકીએ છીએ.’ આ શિલાન્યાસ બાદ રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ધાર્મિક વિવાદ બાદ હુમાયૂં કબીરે હવે રાજકીય નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
હુમાયૂં મમતા બેનરજીની વધારશે મુશ્કેલી !
હુમાયૂં કબીરે મુર્શિદાબાદમાં પોતાની નવી પાર્ટી બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તેમની લડાઈ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) બંનેની વિરુદ્ધ છે. જોકે, તેમણે કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન માટેના દ્વાર ખુલ્લા રાખ્યા છે. તેણે દાવો કર્યો છે કે, તે આગામી ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવશે.
ત્રણ ચૂંટણી ચિહ્નો માટે પણ અરજી કરી
મુર્શિદાબાદ જિલ્લાની 22 વિધાનસભા બેઠકોમાંથી કબીરે ઓછામાં ઓછી 10 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં આ જિલ્લામાં 20 બેઠકો પર TMC અને બે બેઠકો પર ભાજપનું શાસન છે. નવી પાર્ટીની જાહેરાત માટે મુર્શિદાબાદના મિર્ઝાપુર વિસ્તારમાં મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લાખોની ભીડ એકઠી થવાની શક્યતા છે. ચૂંટણી પંચમાં ટેબલ સહિત ત્રણ ચૂંટણી ચિહ્નો માટે પણ અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ', PM મોદીનું SIR મુદ્દે નિવેદન








