Get The App

EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી... ચૂંટણી પહેલા 'ફાઇલ ચોરી'નો આરોપ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
Mamata Banerjee


(IMAGE - IANS)

Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઑફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પ્રતીક જૈનના ઘરે પહોંચતા મામલો વધુ ગંભીર બન્યો છે.

નાણાકીય ગેરરીતિનો મામલો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ED દ્વારા આ કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાના કેસમાં કરવામાં આવી રહી છે. તપાસ ટીમ પ્રતીક જૈનના રહેઠાણ અને ઑફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સવારથી જ શરુ થયેલી આ પ્રક્રિયાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મમતા બેનર્જીની હાજરીથી ચર્ચા

આ દરોડા દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી બાબત મુખ્યમંત્રી મમતા બેનર્જીનું આગમન રહી છે. મમતા બેનર્જી સીધા એ સ્થળે પહોંચ્યા હતા જ્યાં EDની ટીમ તપાસ કરી રહી હતી. મુખ્યમંત્રીની આ હાજરીને રાજકીય વિશ્લેષકો કેન્દ્રીય એજન્સીઓ સામેના વિરોધના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. આ અચાનક મુલાકાતને કારણે ત્યાંનું વાતાવરણ અત્યંત સંવેદનશીલ બની ગયું હતું.

કેન્દ્રીય એજન્સીઓ પર ડેટા ચોરીનો ગંભીર આક્ષેપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતાં ગંભીર આક્ષેપો કર્યા છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય એજન્સીઓ તેમની પાર્ટીના હાર્ડ ડિસ્ક અને ચૂંટણી પ્રચારની સામગ્રી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેમણે EDની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ બધું માત્ર રાજકીય રીતે અમને ડરાવવા-ધમકાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર

કેન્દ્ર-રાજ્ય વચ્ચે વધશે વિવાદ?

પશ્ચિમ બંગાળમાં આ અગાઉ પણ ED અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ચૂકી છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC) દ્વારા અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યો છે. પ્રતીક જૈન IPACના પ્રમુખ હોવાથી, જે સંસ્થા TMCની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આ દરોડાની અસર આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર વધુ ઘેરી બને તેવી શક્યતા છે.

EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી... ચૂંટણી પહેલા 'ફાઇલ ચોરી'નો આરોપ 2 - image