Get The App

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
India's First Digital Census


(AI IMAGE)

India's First Digital Census: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક 'વસતી ગણતરી 2027'ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસતી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં થનારી આ દાયકાની ગણતરી કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે રૂ. 11,718.2 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

બે તબક્કામાં થશે પ્રક્રિયા

વસતી ગણતરીની આ પ્રક્રિયા બે મુખ્ય ભાગમાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ' અને મકાનોની ગણતરી એટલે કે મકાનોની વિગતો, વીજળી, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ડેટા લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. 

આ વખતે સરકાર દ્વારા નાગરિકોને 'સેલ્ફ-એન્યુમરેશન'(પોતાની વિગતો જાતે ભરવી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થાય તેના 15 દિવસ પહેલા જનતા ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે. ત્યારબાદના 30 દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને બાકીની વિગતો નોંધશે.

કાગળ-પેનનો યુગ પૂરો, હવે ડિજિટલ યુગ

આ વખતે રજિસ્ટર કે ફાઇલોના બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસતી ગણતરીના કારણે ડેટામાં ભૂલોની શક્યતા ઘટશે અને તે સીધો સર્વર પર અપલોડ થવાથી આંકડાઓ ઝડપથી જાહેર કરી શકાશે. સરકાર લોકોને પોતાની વિગતો જાતે ઓનલાઇન ભરવા માટે 'સેલ્ફ-એન્યુમરેશન'નો વિકલ્પ પણ આપી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર છે, જેના માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જ્ઞાતિ આધારિત ગણતરીનું મહત્ત્વ

ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિ આધારિત વિગતો એકત્ર કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી આ વખતે વસ્તી ગણતરીના ફોર્મમાં જ્ઞાતિની ઓળખ પણ નોંધવામાં આવશે, જે સામાજિક નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર આ વખતે 'સેન્સસ-એઝ-એ-સર્વિસ'(CaaS) મોડલ અપનાવી રહી છે, જેનાથી વિવિધ મંત્રાલયોને નીતિ-નિર્માણ માટે જરૂરી ડેટા એક ક્લિક પર મશીન-રીડેબલ ફોર્મેટમાં મળી રહેશે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 'સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ'(CMMS) પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ડેટાની સુરક્ષાની સાથે પારદર્શિતા પણ સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: રમત બંધ પણ ધંધો તો ચાલશે! બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી

કોરોનાને કારણે થયો વિલંબ

નિયમ મુજબ આ વસતી ગણતરી વર્ષ 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને ત્યારબાદ ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં સમય લાગતા હવે તે 2026માં શરૂ થઈ રહી છે. આ વસતી ગણતરી માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તે આવનારા દાયકાઓ માટે ભારતનું નવું સામાજિક અને આર્થિક માળખું નક્કી કરનારો પાયો સાબિત થશે.

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર 2 - image