IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ
IMD Weather Alert : ભારતીય હવામાન વિભાગે (IMD) પૂર્વ ભારતમાં માટે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાનું ઍલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ કહ્યું છે કે, આવતીકાલે પૂર્વ ભારતમાં લૂની નવી લહેર શરુ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ બની શકે છે. પૂર્વોત્તર ભારતમાં 11 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે ગુજરાતમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મે મહિનામાં તાપમાન વધશે, વરસાદથી થશે રાહત
હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, મે મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન હોઈ શકે છે, પરંતુ વરસાદના કારણે ગરમીથી રાહત મળી શકે છે. આ વખતે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જોકે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોને આમાંથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો : આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 60-70ની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તર પ્રદેશમાં અસહ્ય ગરમી પડવાની આગાહી
ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને સામાન્ય વરસાદની સિસ્ટમ પૂર્ણ થયા બાદ હવે તડકો અને ગરમ હવાઓ શરુ થઈ ગઈ છે. હવે રાજ્યના લોકોએ મે મહિનામાં અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, અહીં કેટલાક જિલ્લાઓ સિવાય અન્ય ભાગોમાં થોડા દિવસો સુધી હવામાન સૂકું રહેવાનું છે. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે.
ગુજરાતમાં પણ વરસાદનું ઍલર્ટ
Gujarat Weather Forecast : ગુજરાતની વાત કરીએ તો આવતીકાલે ગુરુવારે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડેટા મુજબ, રાજ્યમાં આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ અને છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદથી હાલાકી, જુઓ કયા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ