અમદાવાદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદથી હાલાકી, જુઓ કયા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ
Gujarat Weather : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે, તો માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવતીકાલે ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આંકડા મુજબ, રાજ્યમાં આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ અને છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ કયા કેટલો પડ્યો કમોસમી વરસાદ.
આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગે આજે બુધવારે અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વલસાડમાં ઑરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આગામી 24 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડ જિલ્લામાં વીજળીના કડાકા અને 60-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બે કલાકમાં અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના 95 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં 1.38 ઈંચ, સુરેન્દ્રનગરના લિંબડીમાં 1.10 ઈંચ, અમદાવાદના ધોળકામાં 1.06 ઈંચ, ખેડાના ધસરામાં 1.02 ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના 90 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
છેલ્લા 6 કલાકમાં ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ
જ્યારે આજે બુધવારે સવારે 6થી બપોરના 12 વાગ્યા 12 કલાકની અંદરમાં રાજ્યના 123 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં છેલ્લા 6 કલાકમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના બાવળા, આણંદના બોરસદ, વડોદરા, ભાવનગર, નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે બુધવારે બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢના ભેસાણ, જૂનાગઢ, જૂનાગઢ સિટી, રાજકોટના ધોરાજી, જામનગરના જામજોધપુર, અમરેલીના બગસરામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.