Get The App

મુંબઈમાં વરસાદ, IMDએ જાહેર કર્યું યેલો એલર્ટ, આગામી 3 દિવસ મહારાષ્ટ્ર માટે ભારે

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
મુંબઈમાં વરસાદ, IMDએ જાહેર કર્યું યેલો એલર્ટ, આગામી 3 દિવસ મહારાષ્ટ્ર માટે ભારે 1 - image


- દક્ષિણ-પૂર્વીય અરબ સાગર અને માલદીવ, લક્ષદીપ વિસ્તારોમાં ચક્રવાતના કારણે વરસાદ

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર

કમોસમી વરસાદે ફરી એક વખત લોકોને છત્રી લઈને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરી દીધા છે. મુંબઈમાં બુધવારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં રાતથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે બુધવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી કરેલી છે અને વરસાદને લઈ યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે. 

આ વર્ષે નવેમ્બર મહિનામાં વરસેલા વરસાદે રેકોર્ડબ્રેક કર્યો હતો. છેલ્લા 10 વર્ષોમાં બીજી વખત નવેમ્બર મહિનામાં આટલો ભારે વરસાદ નોંધાયો છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં આશરે 30.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે દક્ષિણ-પૂર્વીય અરબ સાગર અને માલદીવ, લક્ષદીપ વિસ્તારોમાં ચક્રવાતના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વોત્તર અરબ સાગર અને તેને અડીને આવેલા ગુજરાત પ્રદેશમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી હવાઓના ક્ષેત્ર સાથે ઈન્ટરેક્ટ થઈ રહ્યું છે. આ સાથે જ પૂર્વીય-મધ્ય અરબ સાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર પણ બની રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં મહારાષ્ટ્ર તટ પર એક ટ્રફ રેખા પણ ચાલી રહી છે. 

આ કારણે મુંબઈથી દહાણૂ સુધી અને રત્નાગિરી સહિતના કોંકણ તટ પર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે. મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વરસાદની સંભાવના છે. 

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી 5 દિવસ સુધી દરિયામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

Tags :