Get The App

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
Washim Violence


Washim Violence: મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. આ ઘટના બાદ કેટલીક જગ્યાએ પથ્થરમારા થયાની માહિતી પણ સામે આવી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ખૂબ જ ઝડપે બાઇક ચલાવતા જોવા મળ્યા હતા અને પોલીસ વાન તેમનો પીછો કરતી જોવા મળી હતી.

જૂથો વચ્ચેની લડાઈ પાછળના કારણ હજુ સુધી સામે નથી આવ્યું 

જોકે પોલીસે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ તેમનું કહેવું છે કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદોની ધરપકડ કરી રહી છે. જૂથો વચ્ચેની લડાઈ પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

બે જૂથો વચ્ચેના વિવાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી

વાશીમ શહેરના પટણી ચોક વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલા વિવાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. તેની અસર બગવાનપુરા, દાંડે ચોક અને ગણેશપેઠ જેવા વિસ્તારોમાં પણ જોવા મળી હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ, કેટલાક અસામાજિક તત્વોએ ત્યાંના કેટલાક ઘરો અને વાહનો પર પથ્થરમારો કર્યો.

આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા ટુ-વ્હીલરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી... ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ

પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. શહેરમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિનું વાતાવરણ છે, પરંતુ પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે.

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો 2 - image

Tags :