વક્ફ સંશોધન ઍક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા
Supreme Court On Waqf Amendment Act: સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે 20મેના રોજ સુનાવણી કરશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી છે કે, સુનાવણી ચાલે ત્યાં સુધી કેન્દ્ર સરકાર ઍક્ટની જોગવાઈઓનો અમલ કરશે નહીં.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ગવઈએ વકીલોને આગામી સુનાવણી પહેલાં સંપૂર્ણ તૈયારીઓ પોતાની દલીલો-મુદ્દાઓનો કોન્સોલિડેટેડ રિપોર્ટ અગાઉથી રજૂ કરવા કહ્યું છે. જેથી કેસ લંબાય નહીં.
આ ત્રણ મુદ્દાઓ પર વિચારણા કરાશે
આ મામલે આજે સુનાવણીમાં CJI બી. આર. ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, અમે વક્ફ સંશોધન અધિનિયમ 2025માં ત્રણ મુદ્દાઓ પર વચગાળાની રાહત આપવાની જરૂર છે કે કેમ તેના પર વિચારણા કરીશું. આ ત્રણ મુદ્દા વક્ફ બાય યુઝર, વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડ તથા વક્ફ હેઠળ સરકારી જમીનની ઓળખ છે.
સોલિસિટર જનરલે કરી દલીલ
CJI બી. આર. ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, અમે અમારો જવાબ રજૂ કરી દીધો છે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આ કેસમાં હાલ વચગાળાની રાહત માટે સુનાવણી થઈ રહી છે? જેના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું કે, જો કોર્ટ વચગાળાના આદેશ પર વિચાર કરી રહી હોય તો તેમાં વધુ સમય ન લે. અરજદારોની જેમ તેઓ પણ શોર્ટ નોટ્સ રજૂ કરશે. નોંધનીય છે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ વક્ફ ઍક્ટને પડકારતાં અરજદારો તરફથી દલીલ કરી રહ્યા છે. તેમણે શોર્ટ નોટ્સ તૈયાર હોવાનું જણાવ્યું હતું.
વક્ફ ઍક્ટ,1995 વિરુદ્ધ કોઈ સુનાવણી નહીં
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ વક્ફ કાયદો, 1995 વિરુદ્ધ કોઈ પણ અરજી સ્વીકારશે નહીં, કે તેના પર સુનાવણી કરશે નહીં. અમે આ કાયદાની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદવા સંદર્ભે થયેલી કોઈ અરજી સ્વીકારીશું નહીં. અમે માત્ર વક્ફ સંશોધન કાયદો, 2025ને પડકારતી અરજીનો સ્વીકાર કરીશું. તેમાં પણ સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે, આ કાયદામાં આપત્તિજનક જોગવાઈઓની યાદી તૈયાર કરી એક અરજી રજૂ કરો.