Get The App

FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી 1 - image


Vijay Shah Reached Supreme Court: મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહને ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ આપનારા કર્નલ સોફિયા કુરૈશી પર આપત્તિજનક ટીપ્પણી કરવી ભારે પડી છે. વિજય શાહ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા એફઆઈઆર નોંધવાના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં. જ્યાં સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણી કાઢી છે.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. CJIએ વિજય શાહના નિવેદન પર નારાજગી વ્યક્ત હાઈકોર્ટના આદેશ પર રોક મૂકવાનો ઈનકાર કરતાં કહ્યું કે, આ મામલે આવતીકાલે સુનાવણી કરીશું. પણ આવા સમયે આ પ્રકારની ટીપ્પણી કરવાની શું જરૂર હતી. મંત્રી પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આ પ્રકારના નિવેદનની અપેક્ષા કરી શકાય નહીં. થોડું તો જવાબદારી સાથે બોલો.

હાઈકોર્ટે પોલીસને ઝાટકી

સુપ્રીમ કોર્ટે વિજય શાહના કેસમાં હાઈકોર્ટના આદેશ પર કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. માફી માગવા પણ આદેશ આપ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે ફરી આ મામલે પોલીસની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર આટલી નબળી કેમ છે? તમે કોઈપણ દબાણ વિના તપાસ કરો. એફઆઈઆરમાં સંપૂર્ણ આદેશને સામેલ કરી ફરીથી વ્યવસ્થિત લખો. ગઈકાલે જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે મંત્રી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. જેના પર આજે થયેલી સુનાવણી પર પોલીસની એફઆઈઆર પર વાંધો ઉઠાવતાં તેને ફરીથી લખવા આદેશ આપ્યો છે. 

વિજય શાહે સોફિયાને પાકિસ્તાનની બહેન ગણાવી

ઓપરેશન સિંદૂર પર નિવેદન આપતી વખતે વિજય શાહની જીભ લપસી હતી અને તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘જે લોકોએ અમારી દિકરીઓને વિધવા બનાવી છે, તેમને પાઠ ભણાવવા માટે અમે તેમની બહેન મોકલી છે.’ આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો હતો. તેમજ તુરંત માફીની સાથે શાહ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ ઉભી થઈ હતી.

આ પણ વાંચોઃ પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

હાઈકોર્ટે એફઆઈઆર નોંધવા આપ્યો આદેશ

કર્નલ સોફિયા કુરૈશી પર કથિત આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ મંત્રી વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલા કેસમાં મધ્યપ્રદેશની હાઈકોર્ટે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. બુધવારે રાત્રે ઈન્દોર જિલ્લામાં એફઆઈઆર નોંધાઈ હતી. મંત્રી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની 152, 196(1) (B) અને 197 (1)(C) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

મંત્રીએ માગી માફી

મંત્રીનો વીડિયો વાઈરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. દેશભરમાં પણ તેઓ વિવાદમાં મુકાતા રાજીનામાની માગ ઉભી કરાઈ હતી. વિવાદ વધતાં મંત્રીએ વીડિયો રજૂ કરી માફી માગી હતી. તેમજ સોફિયા કુરૈશીને પોતાની બહેન ગણાવી હતી. તેમણે કહ્યું કે, મેં જે નિવેદન આપ્યું તેનાથી કોઈપણ સમાજ કે કોઈપણ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તેના માટે હું ક્ષમા માગુ છું. હું અત્યંત દુઃખી પણ છું. આપણા દેશની બહેન સોફિયા કુરૈશીએ રાષ્ટ્ર ધર્મ નિભાવતા જાતિ અને સમાજથી ઉપર કામ કર્યું છે. હું હંમેશા બહેન સોફિયા અને આપણી સેનાના તમામ વીરોનું સન્માન કરુ છું. ફરી એકવાર હાથ જોડી માફી માગુ છું.


FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી 2 - image

Tags :