બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ

VVPAT slip found in Bihar : બિહારના સમસ્તીપુર જિલ્લામાં શનિવારે (8 નવેમ્બર) સરાયરંજન વિધાનસભા વિસ્તારમાં કચરામાં હજારો મતદાર-ચકાસાયેલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) સ્લિપ મળતા હડકંપ મચી ગયો છે. કચરામાં હજારો VVPATના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ(RJD)એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. VVPAT સ્લિપ મળવા મામલે FIR નોંધાઈ છે, ત્યારે ચૂંટણી પંચે AROને સસ્પેન્ડ કર્યા છે.
RJDએ ઉઠાવ્યા સવાલો
RJDએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જાણકારી આપી છે કે, 'સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા મતવિસ્તારમાં KSR કોલેજ પાસે રસ્તા પર મોટી સંખ્યામાં EVM માંથી નીકળતી VVPAT સ્લિપ ફેંકલી મળી આવી છે. આ સ્લિપ ક્યારે, કેવી રીતે, શા માટે અને કોના ઇશારે ફેંકવામાં આવી? શું ચોર પંચ આનો જવાબ આપશે? શું આ બધું લોકશાહીના લૂંટારા જે બહારથી આવીને બિહારમાં રહે છે, તેના ઇશારે થઈ રહ્યું છે?'
કચરામાં હજારો VVPAT સ્લિપ મળી
મળતી માહિતી મુજબ, બિહારના શીતલપટ્ટી ગામ પાસેથી કચરામાં હજારો VVPAT સ્લિપ મળી આવી છે, જ્યાં ગત 6 નવેમ્બર, 2025ના રોજ મતદાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે જ્યારે ગ્રામજનોએ કચરાના ઢગલામાં VVPAT સ્લિપ જોઈ ત્યારે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
સમગ્ર ઘટના મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોક પોલ દરમિયાન આ સ્લિપો આકસ્મિક રીતે ફેંકી દેવામાં આવી હતી. બીજી તરફ, RJD ઉમેદવાર અરવિંદ સહની તેમના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચીને મોટો હોબાળો કર્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર ઘટનાની નોંધ લીધી અને કાયદા મુજબ સંબંધિત કર્મચારીઓ સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
કલેક્ટરે શું કહ્યું?
સમસ્તીપુરના કલેક્ટરે કહ્યું કે, 'સરાયગંજન વિધાનસભા વિસ્તાર હેઠળ ડિસ્પેચ સેન્ટર પાસે કેટલીક સ્લિપ મળી હતી. આ પછી અમે અન્ય અધિકારી સાથે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્લિપ કબજે કરી લીધી છે. આ મામલે બેદરકારી દાખવવા બદલ બે અધિકારી વિરૂદ્ધમાં વિભાગીય તપાસ અને સસ્પેન્શન કરવા જણાવ્યું છે.'
મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?
મુખ્ય ચૂંટણી કમિશનર જણાવ્યું હતું કે, સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને સ્થળ પર તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મોક પોલમાંથી મળેલી VVPAT સ્લિપ હોવાથી મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા પર કોઈ અસર પડી નથી. સંબંધિત ઉમેદવારોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાણ કરવામાં આવી છે. જોકે, બેદરકારીને કારણે સંબંધિત AROને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને FIR દાખલ કરવામાં આવી રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે થઈ ચૂક્યું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થવાનું છે. મતગણતરી 14 નવેમ્બરે થશે. સરાયરંજન વિધાનસભા બેઠક પર 6 નવેમ્બરે મતદાન થયું હતુ. આવી સ્થિતિમાં VVPAT સ્લિપ મળવાથી અનેક સવાલો ઉભા થયા છે.

