'ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ', રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ

Bihar Election: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ બેગુસરાયમાં માછીમાર સમુદાયની મુલાકાત દરમિયાન તળાવમાં ડૂબકી લગાવી હતી. આ વીડિયોનો ઉલ્લેખ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના સીતામઢીમાં એક ચૂંટણી રેલી દરમિયાન કટાક્ષ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે કેટલાક 'મોટા-મોટા લોકો' બિહારમાં પાણીમાં ડૂબકી લગાવીને 'ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ' કરી રહ્યા છે.
પીએમ મોદીનો રાહુલ ગાંધી પર કટાક્ષ
રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક, 'મોટા-મોટા લોકો હવે બિહારમાં માછલી જોવા અને પાણીમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. તેઓ બિહારની ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.'
રાહુલ ગાંધીએ માછીમારો સાથે મુલાકાત કરી હતી
રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા બેગુસરાયમાં માછીમાર સમુદાયને મળવા ગયા હતા. ત્યાં રેલી પૂર્ણ કર્યા બાદ, તેઓ નજીકના તળાવમાં પહોંચ્યા અને હોડી દ્વારા વચ્ચે જઈને પાણીમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન, પૂર્વ મંત્રી મુકેશ સહનીએ સાથે જાળ નાખી હતી, જેનાથી રાહુલ ગાંધી ઘણા પ્રભાવિત થયા હતા. કનૈયા કુમાર અને અન્ય ઘણા માછીમારો પણ કમર સુધીના કાદવવાળા પાણીમાં ઉતર્યા હતા.
જનતાને 'કટ્ટા સરકાર' નહીં, 'NDA સરકાર' જોઈએ છે
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા બાદ, બિહારના RJDના નેતૃત્વવાળા વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. તેમણે ચેતવણી આપી કે, 'જો વિપક્ષની સરકાર બનશે, તો તેઓ 'કટ્ટા' (દેશી પિસ્તોલ) બતાવીને લોકોને ડરાવશે અને 'હાથ ઉપર' કરાવશે.' આ સાથે જ પીએમ મોદીએ આકરી ટીકા કરતા કહ્યું કે, 'RJD પોતાની રેલીઓમાં બાળકો પાસે 'રંગદાર' (ગુંડા) બનવાની વાત કરાવે છે. બિહારને કટ્ટા, કુશાસન, ક્રૂરતા અને ભ્રષ્ટાચારવાળી સરકાર ન જોઈએ.'
આ પણ વાંચો: ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ
વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, 'જનતા 'કટ્ટા સરકાર' નહીં, પણ 'રાજગ સરકાર' (NDA) ઈચ્છે છે. લોકોને 'હેન્ડ્સ અપ' કરાવતી નહીં, પણ 'સ્ટાર્ટ-અપ'ને પ્રોત્સાહન આપતી સરકાર જોઈએ છે. NDA કટ્ટાને બદલે સ્કૂલ બેગ, કમ્પ્યુટર અને સ્પોર્ટ્સ સાધનોને પ્રોત્સાહન આપે છે.'
ચૂંટણીનો બીજો તબક્કો 11મી નવેમ્બરે
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 11મી નવેમ્બરે મતદાન થવાનું છે. પહેલા તબક્કા દરમિયાન 6 નવેમ્બરે 64.69% મતદાન થયું હતું. વિપક્ષ આ વધેલા મતદાનને NDA વિરુદ્ધ જન-સમર્થન તરીકે જોઈ રહ્યો છે. જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે વોટિંગ વધવું એ સંકેત આપે છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે.

