India

મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં એક મહિલાના મોતથી કૂકી સંગઠન વિફર્યા, 48 કલાક માટે બંધનું એલાન

By GS Team
13 Nov 20263 mins read
TukuTouch Logo
મણિપુરમાં હિંસા યથાવત્ છે, કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદી જૂથો વચ્ચે ગોળીબાર થયો. આ ઘટનામાં કુકી સમુદાયની 1 મહિલાનું મોત થયું, જ્યારે 2 લોકો ઘાયલ થયા. ખેતરમાં કામ કરતી મહિલાને ગોળી વાગતા તેનું મોત થયું હતું. કુકી સંગઠને 48 કલાકના બંધનું એલાન આપી, સુરક્ષાદળોને હટાવવાની માગ કરી છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. મુખ્યમંત્રીએ શાંતિ માટે સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં એક મહિલાના મોતથી કૂકી સંગઠન વિફર્યા, 48 કલાક માટે બંધનું એલાન

Manipur 48 Hour Total Shutdown : મણિપુરમાં હિંસાની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના બે જૂથ વચ્ચે થયેલા ગોળીબારમાં કુકી સમુદાયની એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ કુકી સંગઠને જિલ્લામાં 48 કલાકના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. સંગઠને સરકાર સમક્ષ જિલ્લામાંથી તમામ સુરક્ષાદળોને હટાવવાની માગ પણ કરી છે. સંગઠનનો આરોપ છે કે સુરક્ષાદળો નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

ખેતરમાં કામ કરતી મહિલાને ગોળી વાગતાં મોત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે આશરે 11 વાગ્યે કાંગપોકપી જિલ્લાના તાફૌ કુકી ગામ અને પડોશી સેનાપતિ જિલ્લાના કૈલેંગજાંગ નજીક હરીફ ઉગ્રવાદી જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન તાફૌ કુકી ગામની રહેવાસી કે. ચોંગલોઈ ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું હતું. ગોળીબારમાં એસ. ડેવિડ ચોંગલોઈ અને લામખોચોન ચોંગલોઈ નામના બે લોકો પણ ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

CRPF, BSF અને આસામ રાઇફલ્સના વધારાના જવાનો તૈનાત

ગોળીબારની ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. CRPF, BSF અને આસામ રાઇફલ્સના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ સેનાપતિ જિલ્લાની નજીક આવેલા તાફૌ ગામમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકોએ, જેમાં મોટાભાગે મહિલાઓ હતી, સુરક્ષાદળોને ગામ તરફ આગળ વધતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અગાઉ બે યુવકોના મૃતદેહ મળ્યા હતા

આ ગોળીબારની ઘટના એવા સમયે બની છે જ્યારે તાફૌ કુકી ગામના બે યુવકો 28 ઓક્ટોબરે ગુમ થયા હતા. ત્યારબાદ 1 નવેમ્બરે પડોશી સેનાપતિ જિલ્લામાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને કુકી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU) પહેલેથી જ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. સંગઠનની માગ છે કે તાફૌ કુકી ગામને સેનાપતિના બદલે કાંગપોકપી જિલ્લા પોલીસના અધિકારક્ષેત્રમાં રાખવામાં આવે. રાજ્ય સરકાર આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવા અંગે વિચારણા કરી રહી છે.

ઉખરુલમાં ખેડૂતો પર ગોળીબાર, ચુરાચાંદપુરમાં હથિયારો મળ્યાં

મણિપુરના ઉખરુલ જિલ્લામાં સિનેકેઇથી નજીક ધાનની કાપણી કરી રહેલા ખેડૂતોના જૂથ પર પણ શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. સુરક્ષાદળોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને અન્ય ખેડૂતોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બીજી તરફ, ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ બુધવારે એક મોટા સર્ચ ઓપરેશન દરમિયાન 10 ફૂટ લાંબો રોકેટ, ચીનમાં બનેલા ચાર મોર્ટાર અને છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) સહિતનાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. અન્ય એક ઓપરેશન દરમિયાન કાંગપોકપી જિલ્લામાં એક પેસેન્જર બસની તપાસ કરતાં 1.147 કિલોગ્રામ મેથામ્ફેટામાઇનની ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. મેથામ્ફેટામાઇન એક નશાકારક પદાર્થ છે.

મણિપુરમાં તમામ સમુદાયોની સમિતિ બનાવશે સરકાર

રાજ્યમાં હિંસાની ઘટનાઓ વચ્ચે મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે તમામ સમુદાયોના પ્રતિનિધિત્વવાળી સમિતિ બનાવવાની દિશામાં પગલાં લેવાની જાહેરાત કરી છે. આ સમિતિનો હેતુ વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીએ ઇમ્ફાલ સ્થિત મુખ્યમંત્રી સચિવાલયમાં મણિપુરના 10 આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મણિપુરના વિવિધ સમુદાયો વચ્ચે એકતા વધારવા માટે કોઈ સામાન્ય મંચ છે કે નહીં તે અંગે સવાલ કર્યો હતો. તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મણિપુર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે તમામ સમુદાયોને સાથે રાખીને સમિતિ બનાવવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.