'15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ', કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન
Maharashtra MLA Vijay Wadettiwar: મહારાષ્ટ્ર નાગપુર કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિજય વડેટ્ટીવાર ફરી એકવાર વિવાદોમાં મુકાયા છે. તેમણે ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે કે, 'કેન્દ્ર સરકારે પાકિસ્તાનના 15 હજારની કિંમતના ડ્રોન માટે 15 લાખની મિસાઈલનો ઉપયોગ કર્યો. આ મામલે સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ.'
નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતાં વડેટ્ટીવારે કહ્યું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે સરકારે પારદર્શિતા રાખવી જોઈએ અને લોકોને યોગ્ય અને સાચી માહિતી આપવી જોઈએ. જો કોઈ પૂછે કે, યુદ્ધ નાનું હતું કે મોટું, કેટલુ નુકસાન થયું, અમેરિકાના કહેવા પર સમાધાન કર્યું કે કેમ, તો તેમાં કાઈ ખોટું નથી. સરકારે તેનો જવાબ પારદર્શિતા સાથે આપવો જોઈએ.
વડેટ્ટીવારે કર્યો દાવો
વડેટ્ટીવારે વધુમાં દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ચીનમાં નિર્મિત પાંચ હજાર ડ્રોન વડે હુમલો કર્યો હતો. પ્રત્યેક ડ્રોનની કિંમત રૂ. 15 હજારની હતી. જ્યારે આ ડ્રોનને પાડી નાખવા માટે ભારતે રૂ. 15 લાખની મિસાઈલ છોડી. તેના પર સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. સત્ય શું છે મને ખબર નથી. પણ ચર્ચા છે કે, ત્રણ-ચાર રાફેલ વિમાન પણ ઉડાવવામાં આવ્યાં હતાં. આ તમામ ચર્ચાઓ પર સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. વડેટ્ટીવારે આ ઓપરેશનમાં શું નિર્ણય લેવાયો, કેટલો ખર્ચ થયો અને તેનું શું પરિણામ આવ્યું...જેવા સવાલો પર પણ સ્પષ્ટતા આપવાની માગ કરી છે.
અગાઉ પણ કરી ચૂક્યા છે કટાક્ષ
વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકી હુમલા મુદ્દે અગાઉ પણ અનેક કટાક્ષ અને સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે આ હુમલા પર ટીકા કરી હતી કે, શું આતંકવાદીઓ પાસે કોઈનો પણ ધર્મ પૂછવાનો સમય હતો. તેમના આ નિવેદનોથી રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો.