VIDEO: રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યું તેમનું પાળતું શ્વાન 'ગોવા', દૃશ્ય જોઈ લોકોની આંખો ભીંજાઈ
Ratan Tata: ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી ઉદ્યોગ જગત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુંબઈમાં રાજકારણીઓ, બોલિવૂડ સેલેબ્સ, ટોચના ઉદ્યોગપતિ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમનો પાળતુ શ્વાન 'ગોવા' પણ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યું હતું. નોંધનીય છે કે, રતન ટાટાને તેમના પાળતુ શ્વાન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. આ જ કારણસર જ્યારે 'ગોવા' રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યો ત્યારે ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.
શ્વાન પણ દુઃખી દેખાયો
પોતાના માલિકને શ્રદ્ધાંજલિ આપવા આવેલો 'ગોવા' પણ આ દરમિયાન દુઃખી જોવા મળ્યો હતો. રતન ટાટા એક વાર જ્યારે ગોવા ગયા હતા તે સમયે આ કૂતરો તેમની પાછળ પાછળ ફરી રહ્યો હતો. ત્યારે રતન ટાટા તેને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા હતા અને તેને પ્રેમથી 'ગોવા' નામ આપ્યું હતું. નોંધનીય છે કે, રતન ટાટા તેમના પાળતું શ્વાન ઉપરાંત અન્ય રખડતાં કૂતરાઓ પ્રત્યે પણ પ્રેમ ભાવના રાખતા હતા. આ જ કારણસર ટાટાના તમામ પરિસરોમાં રખડતાં કૂતરાઓની અવર-જવર પર કોઈ રોક નહોતી.
આ પણ વાંચોઃ કોણ બનશે પદ્મ વિભૂષણ રતન ટાટાનો ઉત્તરાધિકારી જે સંભાળશે 3800 કરોડનું સામ્રાજ્ય
કૂતરા માટે બ્રિટન પ્રવાસ રદ કર્યો હતો
રતન ટાટાને તેમના પાળતું કૂતરા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ પ્રેમ દર્શાવતો એક કિસ્સો એવો છે કે, એક વાર બીમાર કૂતરાની સારસંભાળ રાખવા માટે તેમણે બ્રિટનના તાત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ સાથેની મુલાકાત રદ કરી હતી. ત્યારે બ્રિટનના બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ દ્વારા રતન ટાટાને સન્માનિત કરવા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પાળતુ કૂતરો બીમાર પડી જતાં તેમણે બ્રિટનનો પ્રવાસ રદ કર્યો હતો.
આ પણ વાંચોઃ જ્યારે વડાપ્રધાન ટાટાથી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પછી રાજીવ ગાંધીએ...