India

VIDEO : દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
દેશના ઉત્તર-દક્ષિણ ભાગોમાં ચોમાસું સક્રિય થતાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં જળબંબાકાર, તમિલનાડુના તિરુવલ્લુરમાં ભારે વરસાદ થયો. UPના કાનપુરમાં મકાન ધરાશાયી થતાં 2 બાળકોના મોત થયા, જ્યારે મથુરા-વૃંદાવન પાણીમાં ગરકાવ થયા છે. પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો થયો છે. પશ્ચિમ બંગાળના ઘાટલમાં પૂરની સ્થિતિ ગંભીર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત

Heavy Rainfall In India : દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં ચોમાસુ સક્રિય થતાં ક્યાંક ખુશનુમા માહોલ સર્જાયો છે તો ક્યાંક ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તરાખંડના દહેરાદૂન અને તમિલનાડુના તિરુવલ્લુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, જ્યારે હરિયાણાના કરનાલમાં વરસાદથી બફારામાંથી રાહત મળી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે મથુરા-વૃંદાવનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો નોંધાયો છે, તેમજ પશ્ચિમ બંગાળના ઘાટલમાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં લોકો બોટના સહારે જીવન વિતાવવા મજબૂર બન્યા છે.

દહેરાદૂનમાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન, હવામાન વિભાગની ચેતવણી

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા સલાહ આપી છે.

તમિલનાડુના તિરુવલ્લુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે. અવાડી, પટ્ટાભિરામ અને થિરુનિનરાવુર સહિતના વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

હરિયાણાના કરનાલમાં વરસાદથી અસહ્ય બફારામાંથી મુક્તિ

હરિયાણાના કરનાલ શહેરમાં હવામાનમાં અચાનક મોટો બદલાવ જોવા મળ્યો હતો. શહેરમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તતી અસહ્ય ગરમી અને બફારામાંથી નાગરિકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો

પ્રયાગરાજમાં ભારે વરસાદને કારણે ગંગા અને યમુના બંને પવિત્ર નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. એડીએમ સિટી સત્યમ મિશ્રાએ જણાવ્યું કે બંને નદીઓ હાલ જોખમી નિશાનથી નીચે વહી રહી છે અને પાણી હજુ સુધી રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યું નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે જાહેરમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.

પશ્ચિમ બંગાળના ઘાટલમાં પૂરની સ્થિતિ વણસી, લોકો હોડીઓ પર નિર્ભર

પશ્ચિમ બંગાળના ઘાટલમાં સતત વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડાતાં પૂરની પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. નગરપાલિકાના અનેક વોર્ડ અને ગ્રામીણ વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જતાં લોકો હોડીઓ અને ડીંગીઓ પર નિર્ભર બન્યા છે. પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા વચ્ચે સ્થાનિક પરિવારોએ 7 થી 10 દિવસ ચાલે તેટલું અનાજ, કરિયાણું અને શાકભાજીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે.

કાનપુર દેહાતમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી, 2 માસૂમ બાળકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક કાચું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ઘટનામાં 2 બાળકોના કાટમાળ નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે તેમના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મથુરા-વૃંદાવનમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ઉત્તર પ્રદેશના યાત્રાધામ મથુરા અને વૃંદાવનમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિના કારણે સ્થાનિક નાગરિકો તેમજ દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.