Get The App

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા 1 - image


Deputy President Jagdeep Dhankhar Resignation: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. 

74 વર્ષીય ધનખડ 2022થી ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળતા હતા. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રપતિએ પણ તેમનું રાજીનામું મંજૂર કરી દીધું હતું. આગામી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને રાજીનામું મોકલવામાં આવ્યું છે. આ મુદ્દે થોડી વારમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.


વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સારા આરોગ્યની કામના કરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર એક્સ પર પોસ્ટ કરી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે કહ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની અનેક તક મળી હતી. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું. 

કાર્યકાળ પૂરો થતાં પહેલા રાજીનામું આપનારના ત્રીજા ઉપ રાષ્ટ્રપતિ

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ગઈકાલે સોમવારે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી. આમ ચાલુ કાર્યકાળમાં જ અધવચ્ચે રાજીનામું આપનારા તેઓ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમની પહેલાં વીવી ગિરીએ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે 3 મે, 1969માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના નિધન બાદ કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. ભૈરવસિંહ શેખાવતે પણ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંપ્રગ ઉમેદવાર પ્રતિભા પાટિલ વિરુદ્ધ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ 21 જુલાઈ, 2007ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી દીધું હતું. 

નડ્ડાથી નારાજ હોવાની અટકળો

સંસદમાં ગઈકાલથી શરુ થયેલા ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલા મુદ્દે આકરી ચર્ચાઓ થઈ રહી હતી. તે સમયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ ધનખડે ખાતરી આપી હતી કે, તેઓ આ મુદ્દે તમામ પાસાંની ચર્ચા કરશે. બાદમાં તેમણે વિપક્ષ અને સત્તાધારી પક્ષની એક બેઠક બોલાવી હતી. જો કે, સત્તા પક્ષના દિગ્ગજ મંત્રીઓ જેપી નડ્ડા અને કિરેન રિજિજુ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. બાદમાં મોડી સાંજે ધનખડે પોતાના સ્વાસ્થ્યનું કારણ જણાવતાં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી અનેક અટકળો શરુ થઈ હતી કે, ધનખડ નડ્ડાથી નારાજ છે.


BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા 2 - image

Tags :