| (IMAGE - IANS) |
The rise and fall of Venezuela’s Nicolas Maduro: વેનેઝુએલાના ઇતિહાસમાં શક્તિ, દમન અને આર્થિક પતન સાથે સંકળાયેલું નિકોલસ માદુરોનું નામ આજે અમેરિકા દ્વારા કરાયેલી નાટકીય ધરપકડ સાથે જોડાઈ ગયું છે. બસ ડ્રાઇવર તરીકે શરૂ કરેલી કારકિર્દી યુનિયન લીડરથી લઈને હ્યુગો ચાવેઝના વિશ્વાસપાત્ર અનુગામી સુધી અને છેલ્લે દક્ષિણ અમેરિકાના સૌથી વિવાદાસ્પદ નેતાઓમાંના એક બનવા સુધી કઈ રીતે પહોંચી, એની રસપ્રદ કથા જાણવા જેવી છે.
મધ્યમ વર્ગી પ્રારંભિક જીવન
નિકોલસ માદુરોનો જન્મ 23 નવેમ્બર, 1962ના રોજ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા નિકોલસ માદુરો ગાર્સિયા એક સમાજવાદી પક્ષના કાર્યકર હતા, જેનો યુવા નિકોલસ પર ઊંડો પ્રભાવ પડ્યો. કિશોરાવસ્થામાં માદુરો રોક બેન્ડમાં ગિટાર વગાડતા, પરંતુ તેમને આકર્ષણ હતું રાજકારણનું. હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ 1986માં તેઓ ક્યુબા ગયા અને ત્યાંની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત વૈચારિક તાલીમ કોર્સમાં ભાગ લીધો. ત્યાં મળેલા માર્ક્સવાદી-લેનિનવાદી શિક્ષણે તેમની રાજકીય વિચારસરણી પર ઊંડી છાપ છોડી.
રાજકીય ચેતનાનો ઉદય
ક્યુબાથી પરત આવ્યા બાદ માદુરોએ કારાકાસની સબવે સિસ્ટમમાં બસ ડ્રાઇવર તરીકે કામ શરૂ કર્યું. આ સામાન્ય નોકરી તેમના માટે 'કામદાર વર્ગ&' સાથે જોડાણ બનાવવાનું માધ્યમ બની. તેઓ ઝડપથી ટ્રેડ યુનિયન ચળવળમાં સક્રિય બન્યા. ભાષણકળા અને સંગઠન ક્ષમતાએ તેમને લોકપ્રિય યુનિયન નેતા બનાવ્યા. આ જ સમયગાળામાં તેમની મુલાકાત યુવાન, પ્રતિભાશાળી વકીલ સિલિયા ફ્લોરેસ સાથે થઈ, જે પણ ડાબેરી વિચારધારા તરફ ઝુકાવ ધરાવતી હતી. ફ્લોરેસ પછીથી તેમની જીવનસાથી અને રાજકીય સાથી બની.
માદુરો ચાવેઝના સાથી બન્યા
1990ના દાયકાના પ્રારંભમાં વેનેઝુએલામાં ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસંતોષ ફેલાઈ ગયાં હતાં. આવા માહોલમાં લેફ્ટનન્ટ કર્નલ હ્યુગો ચાવેઝ ક્રાંતિકારી નેતા તરીકે ઉભરી આવ્યા. માદુરો પહેલેથી જ ચાવેઝની વિચારધારાથી પ્રભાવિત હતા. તેથી તે ચાવેઝના સાથીદાર બની ગયા. 1992ના સૈન્ય બળવા પછી ચાવેઝની ધરપકડ થઈ ત્યારે માદુરો અને ફ્લોરેસ (જે ચાવેઝની કાનૂની ટીમનો ભાગ હતા)એ તેમની મુક્તિ માટે ખૂબ પ્રચાર કર્યો.
ગુરુ અને શિષ્યની જોડી જામી ગઈ
1998માં ચાવેઝ રાષ્ટ્રપતિ બન્યા એ સાથે જ માદુરોની રાજકીય કારકિર્દીને પાંખો મળી. તેઓ પહેલાં રાષ્ટ્રીય સભાના સભ્ય બન્યા, પછી સ્પીકર, એ પછી વિદેશ મંત્રી અને અંતે 2006માં ઉપ-રાષ્ટ્રપતિ બન્યા. 2011માં ચાવેઝને કેન્સરનું નિદાન થયું ત્યારે ઉત્તરાધિકારનો પ્રશ્ન ઊભો થયો. ઘણા સિનિયર નેતાઓના વિકલ્પ હોવા છતાં બીમાર ચાવેઝે સપ્ટેમ્બર 2012માં એક ભાષણ દરમિયાન માદુરોને પોતાના વારસદાર જાહેર કર્યા, જે ઘણા માટે આશ્ચર્યજનક હતું. માર્ચ, 2013માં ચાવેઝના મૃત્યુ પછી માદુરો રાષ્ટ્રપતિ બન્યા.
સત્તા તો મળી, પણ કાંટાળી
માદુરોનું રાષ્ટ્રપતિપદ બે મુખ્ય પ્રવૃત્તિઓની ચારેબાજુ ફરતું હતું: સત્તા ટકાવી રાખવી અને વિનાશકારી આર્થિક સંકટનો સામનો કરવો. રાજકીય દમન અને સત્તાનું કેન્દ્રીકરણ ચાવેઝના અમેરિકા-વિરોધી, 'સામ્રાજ્યવાદ-વિરોધી' વલણને માદુરોએ જાળવી રાખ્યું. તેમણે દેશની તમામ મુખ્ય સંસ્થાઓ– લશ્કર, સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા– પર પોતાનો અંકુશ રાખ્યો. 2015ની સંસદીય ચૂંટણીમાં વિપક્ષને ભારે બહુમતી મળી, પરંતુ માદુરોએ સુપ્રીમ કોર્ટનો ઉપયોગ કરીને સંસદને નિષ્ક્રિય બનાવી દીધી. 2018ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માદુરોએ કાયદેસર જીત નોંધાવી, પણ એને યુરોપિયન યુનિયન, અમેરિકા અને ઘણા લેટિન અમેરિકન દેશોએ અમાન્ય ઠેરવી. જેને પગલે વેનેઝુએલા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા. માનવાધિકાર સંગઠનોએ રાજકીય કેદીઓને આપવામાં આવી રહેલી યાતનાઓ સામે વિરોધ કરતાં માદુરો સામે મોરચો માંડી દીધો.
ફુગાવાએ માઝા મૂકતાં લોકો દેશ છોડીને ભાગ્યા
ચાવેઝે લીધેલા ભૂલભરેલા નિર્ણયોને લીધે વેનેઝુએલામાં આર્થિક સમસ્યાઓ સર્જાવા લાગી હતી, માદુરોએ એ ભૂલો ઠીક કરવાને બદલે એમાં વધારો કર્યો. કડક ચલણ નિયંત્રણ, ઉત્પાદન વ્યવસ્થાનું રાષ્ટ્રીયકરણ, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી. વિશ્વના સૌથી મોટા તેલના ભંડાર ધરાવતા વેનેઝુએલાનું તેલ ઉત્પાદન ઘટીને પ્રતિદિન 400,000 બેરલ પર આવી પહોંચ્યું (2000માં આ આંકડો 3 મિલિયનથી વધુ હતો). ફુગાવાએ એ હદે માઝા મૂકી કે 2019 સુધીમાં એ 1,30,000% થઈ ગયો. ખાદ્ય પદાર્થો, દવાઓ અને આવશ્યક વસ્તુઓની ભયંકર અછત સર્જાઈ. ભૂખ, ગરીબી અને અરાજકતાથી બચવા માટે અંદાજે સિત્તેર લાખ નાગરિકો વેનેઝુએલા છોડીને પગપાળા જ પડોશી દેશો કોલમ્બિયા, પેરુ અને બ્રાઝિલ જઈ પહોંચ્યા અને શરણાર્થી બન્યા.
સ્વપ્રચાર માટે વ્યક્તિત્વ પૂજાને શરણે ગયા
વેનેઝુએલાની ખાડે ગયેલી અર્થવ્યવસ્થા પરથી જનતા અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે માદુરોએ પોતાનું જ રૂપ ધરાવતું 'સુપર બિગોટ&'(બિગોટ એટલે જાડી-ઘાટી મૂછ) નામનું કાર્ટૂન પાત્ર સર્જ્યું. આ સુપરહીરો વેનેઝુએલાના રક્ષક અને વિદેશી સાજિશો સામે લડતા નાયક તરીકે રજૂ કરવામાં આવ્યો. એનો ઉપયોગ ટીવી અને સોશિયલ મીડિયા મારફતે રાજકીય સંદેશને હળવા અને લોકપ્રિય સ્વરૂપમાં જનતા સુધી પહોંચાડવા માટે કરાયો, પણ વિરોધ પક્ષ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ તેને વ્યક્તિ પૂજા ગણાવીને એની ટીકા કરી. વેનેઝુએલાની જનતાએ પણ એને જાકારો આપ્યો.
અમેરિકા સાથે વેરભાવ ભારે પડ્યો, 'નાર્કો-આતંકવાદ'ના આરોપ લાગ્યા
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે માદુરો પર કડક વલણ અપનાવ્યું. વેનેઝુએલાની કટોકટી માટે અમેરિકાએ માદુરોને જવાબદાર ગણાવ્યા. ફોજદારી આરોપો અને ઇનામ: માર્ચ, 2020માં ન્યૂ યોર્કના ફેડરલ કોર્ટે માદુરો અને તેમના કેટલાક સાથીઓ પર નાર્કો-આતંકવાદ', કોકેનની તસ્કરીનું કાવતરું રચવા અને અમેરિકા પર હુમલો કરવાની યોજના બનાવવાના આરોપ લગાવ્યા. માદુરોને પકડનાર માટે 5 કરોડ ડોલરનું ઇનામ જાહેર કરાયું
સૈન્ય અને આર્થિક દબાણ
અમેરિકાએ વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર કડક પ્રતિબંધો લાદ્યા, જેણે માદુરો સરકારની આવક ઘટાડી દીધી. કેરિબિયન સમુદ્રમાં અમેરિકન નૌસેનાની હાજરી વધારવામાં આવી. માદુરોએ રશિયા, ચીન અને ઈરાન જેવા દેશો પાસેથી સહાય લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આર્થિક સંકટ અટકાવવામાં તે અપૂરતું સાબિત થયું.
પતિ-પત્નીની નાટકીય ધરપકડ કરાઈ
3 જાન્યુઆરી, 2025ની રાતે અમેરિકન સૈન્ય દળોએ માદુરો અને એમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ધરપકડની પુષ્ટિ કરીને તેને 'મોટી સફળતા' જાહેર કરી. માદુરોને ન્યૂ યોર્ક ખાતે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે તેમણે કોર્ટ કેસનો સામનો કરવો પડશે. તેમને આજીવન કેદની સજા થવાની શક્યતા છે.
એક યુગનો અંત, એક રાષ્ટ્રની પડતી
શક્તિના શિખર સુધી પહોંચવા માટે નિકોલસ માદુરોએ કામદાર વર્ગના સંઘર્ષ અને સામાજિક ન્યાયના આદર્શોનો સહારો લીધો, પરંતુ સત્તા મળ્યા પછી દમન, ભ્રષ્ટાચાર અને વિચારહીન શાસનને લીધે તેમણે સમૃદ્ધ વેનેઝુએલાને આર્થિક પતન તરફ ધકેલી દીધું. તેમની ધરપકડ એક યુગનો અંત જરૂર છે, પણ એનાથી વેનેઝુએલાની સમસ્યાઓનો તાત્કાલિક અંત નથી આવવાનો. આર્થિક પુનર્નિર્માણ, ભ્રષ્ટાચાર સામે લડત અને લાખો વિસ્થાપિત નાગરિકોને પરત લાવવાની કઠિન પરીક્ષા વેનેઝુએલાએ પાર પાડવાની છે.


