India

વંદે માતરમ્... સુજલામ સુફલામ્...

By GS Team
14 Aug 20265 mins read
TukuTouch Logo
દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ગુરુવારે પૂરું થયું. NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામમંદિરમાં દાનચોરી મુદ્દે વિપક્ષે ધાંધલ-ધમાલ કરી. લોકસભામાં માત્ર 15% અને રાજ્યસભામાં 39% કામ થયું. આ સત્રમાં 12 બિલ પસાર થયા, જેમાં ફક્ત એક પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વંદે માતરમ્... સુજલામ સુફલામ્...
  • નેતાઓના 'નાટક' પર પડદો પડયો… ખાધુ, પીધું, રાજ કર્યું
  • સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ ગયું, લોકસભામાં માત્ર 15 ટકા કામ થતા કામકાજ 22 વર્ષના તળીયે, રાજ્યસભામાં 39 ટકા કામ થયું
  • લોકસભા અને રાજ્યસભામાં કુલ 12 બિલ પસાર થયા, જેમાંથી માત્ર એક પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા થઈ

નવી દિલ્હી : દિલ્હીમાં જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનથી હુમલો તેમજ ભગવાન રામની નગર અયોધ્યામાં રામ મંદિરમાં દાનચોરીના મુદ્દે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ગુરુવારે અંતે સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ ગયું. આ સત્ર દરમિયાન લોકસભાનું કામકાજ ૨૨ વર્ષના નીચલા સ્તરે રહ્યું હતું. આ સત્ર શરૂ થયા પહેલા એફસીઆરએ અને સીમાંકન જેવા મહત્વના બિલો રજૂ થશે તેવી ચર્ચા હતી, પરંતુ ગૃહની અંદર અને બહાર વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભામાં માત્ર ૧૫ ટકા કામ થયું તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના અહેવાલમાં જણાવાયું હતું. વધુમાં આખા ચોમાસુ સત્રમાં ગેરહાજર રહેનારા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા દિવસે ગૃહમાં આવ્યા હતા. તેમની હાજરીમાં લોકસભામાં ગુરુવારે પહેલી વખત વંદે માતરમ્ના પૂર્ણ ગાન સાથે અધ્યક્ષ ઓમ બિરલાએ સત્ર પૂરું થયાની જાહેરાત કરી હતી. જોકે, રાજ્યસભામાં ગુરુવારે એક કલાક ચર્ચા થયા પછી સત્ર પૂરું થયું હતું. જોકે, અનેક મુદ્દાઓ પર મતભેદો ધરાવતા શાસક અને વિપક્ષના સાંસદો આજે સત્રના અંતિમ દિવસે વંદે માતરમ્ના ગાન મુદ્દે એકમત થયા તેટલું દેશ માટે રાહત સમાન છે.
નીટ પરીક્ષા મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ૨૦ જુલાઈએ 'ચલો સંસદ માર્ચ' સાથે દેખાવો કર્યા હતા. આ સમયે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાની સાથે પેલેટગન છોડી હતી. પોલીસ લાઠીચાર્જ અને રામ મંદિરમાં દાન ચોરી મુદ્દે વિપક્ષે દરરોજ ભારે હોબાળો કરી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવી નાંખી હતી.
વિપક્ષ ગૃહમંત્રી અમિત શાહના જવાબની માગણી કરતો રહ્યો, પરંતુ સરકારે આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નહીં. ચાર સપ્તાહ સુધી ચાલેલા ચોમાસુ સત્રમાં એક પણ દિવસ પ્રશ્નકાળ અને શૂન્યકાળમાં કામકાજ થઈ શક્યું નહીં. ગૃહની અંદરની મડાગાંઠ મુદ્દે સરકારે વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો જ્યારે વિપક્ષે સરકારને જવાબદાર ઠેરવી. વિપક્ષે કહ્યું મડાગાંઠ દૂર કરવા સરકાર તરફથી કોઈ પ્રયત્નો થયા નહીં. વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને એક પણ દિવસ ગૃહમાં હાજર રહ્યા નહીં, જે 'અસાધારણ' છે.
સંસદનું સત્ર પૂરું થયા પછી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ૨૫ દિવસના ચોમાસુ સત્રમાં લોકસભામાં ૧૯ ટકા જ્યારે રાજ્યસભામાં ૩૯ ટકા કામ થયું. આ સત્રમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં કુલ ૧૨ બિલ પસાર થયા હતા, જેમાંથી માત્ર એક પેપર લીક વિરોધી બિલ એટલે કે જાહેર પરિક્ષા સુધારા બિલ પર જ ચર્ચા થઈ શકી હતી. આ બિલ પર ૨૮ અને ૨૯ જુલાઈએ લગભગ ૧૦ કલાક ચર્ચા થઈ હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે સત્ર શરૂ થવાની સાથે જ વંદે માતરમના ગાન માટે સાંસદોને ઊભા થવા જણાવ્યું. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સંસદમાં પહેલી વખત વંદે માતરમ્નું સંપૂર્ણ ગાન થયું હતું. ત્યાર પછી અધ્યક્ષ ઓમ બિરલાએ તુરંત જ સત્ર પૂરું થયાની જાહેરાત કરી હતી. આ સમયે ઓમ બિરલાએ પરંપરાગત રીતે સત્રમાં ગૃહમાં થયેલા કામ, ઉત્પાદક્તા અને સિદ્ધિઓની કોઈ વિગતો આપી નહીં. બીજીબાજુ રાજ્યસભામાં અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વારંવાર ગૃહ ખોરવાઈ જવા અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સત્ર પૂરું થયાની જાહેરાત કરી હતી.
સંપૂર્ણ ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનો જવાબ માગતો રહ્યો અને સંસદ બહાર મકર દ્વાર પર દેખાવો કરતો રહ્યો. જોકે, છેલ્લા બે દિવસમાં સરકારે અમિત શાહ ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી સત્તા પક્ષ આક્રમક બન્યો હતો અને રાહુલ ગાંધી ચર્ચાથી ભાગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચોમાસુ સત્રમાં એકમાત્ર નોંધપાત્ર કામ વિદ્યાર્થીઓના દેખાવોના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું રહ્યું.
ચોમાસુ સત્રના અંતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બોલાવેલી ટી-પાર્ટીમાં વિપક્ષમાંથી માત્ર ડીએમકેનાં સાંસદ કનીમોઝી હાજર રહ્યા જ્યારે કોંગ્રેસ, સપા સહિતના પક્ષોએ તેનો બહિષ્કાર કર્યો હતો. બીજીબાજુ રાજ્યસભા અધ્યક્ષ રાધાકૃષ્ણને બોલાવેલી ટી-પાર્ટીમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિતના નેતા હાજર રહ્યા હતા. આ બેઠકમાં સરકાર તરફથી પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતા હાજર રહ્યા હતા.
વિપક્ષના હોબાળા વચ્ચે ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સતત સંસદમાં ચર્ચા માટે 'ગોલપોસ્ટ' બદલતા રહેવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસના એક નેતાના અહંકાર, ગેરશિસ્ત અને ઉદ્ધતાઈના કારણે આખું ચોમાસુ સત્ર ધોવાઈ ગયું. રાહુલ ગાંધીના ઘમંડ અને જીદના કારણે કરદાતાઓના કરોડો રૂપિયાનો બગાડ થયો.

એફસીઆરએ, સીમાંકન જેવા મહત્વના બિલો અદ્ધરતાલ
ખોબે ખોબે મત આપનારી પ્રજાના ભરોસાની મજાક

નવી દિલ્હી : દેશની જનતા ખોબે ખોબે મત આપીને નેતાઓને સંસદમાં ચૂંટીને મોકલે છે. જનતાને આશા હોય છે કે ચૂંટાયેલા નેતાઓ સંસદમાં બેસીને તેમના કલ્યાણ માટેના કાયદા અને નીતિઓ બનાવશે. જોકે, સંસદના આ ચોમાસુ સત્રમાં એનજીઓને વિદેશી ભંડોળની સહાય અંગેનું એફસીઆરએ, સીમાંકન જેવા મહત્વના બિલો પર ચર્ચા થવાની અટકળો હતી પરંતુ ગુરુવારે સંસદનું ચોમાસુ સત્ર કોઈપણ પ્રકારની ચર્ચા વિના માત્ર નેતાઓના ૨૫ દિવસના હોબાળા બાદ અંતે પૂરું થઈ ગયું અને એફસીઆરએ, સીમાંકન જેવા મહત્વના બિલો અદ્ધરતાલ રહી ગયા. શાસક પક્ષ પાસે સત્તા છે અને આ સત્તાથી તેમની પાસે ભરપૂર પૈસો છે, જેના જોરે તેઓ સાંસદો ખરીદી શકે છે અને પોતાના નિર્ણયો મનફાવે તેમ લઈ પ્રજા પર ઠોકી બેસાડી શકે છે. તેમને કહેનારું કોઈ નથી અને જાણે વિપક્ષને હોબાળા સિવાય કોઈ વાતમાં રસ ના હોય તેવું લાગે છે. સંસદમાં બેસનારા નેતાઓ સતત હોબાળો કરીને પ્રજાના રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છે. આ રીતે કામકાજ ખોરવી નાંખવાનું વર્તન પ્રજાના ભરોસાની મજાક સમાન છે. હોવાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.