ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન, 133 રસ્તા બંધ
Uttarakhand Weather Update : ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ભયાનક તારાજી સર્જાઈ છે. રાજ્યમાં અનેક જિલ્લામાં મુશળધાર વરસાદમાં ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ પહાડી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. ઉત્તારખંડ હવામાન વિભાગે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે રાજધાની દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો
ઉત્તરાખંડના આપત્તિ વ્યવસ્થાપન વિભાગની માહિતી મુજબ, પહેલી જૂનથી અત્યાર સુધીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં વિવિધ ઘટનાઓમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિભાગે કહ્યું કે, રાજ્યના કુલ 144 ઘરો સંપૂર્ણ નાશ પામ્યા છે અથવા તો આંશિક નુકસાનગ્રસ્ત થયા છે. વરસાદમાં જુદા-જુદા વિસ્તારોમાં મકાનો તૂટી જવાના કારણે કે પછી વહી જવાના કારણે અનેક લોકો બેઘર થઈ ગયા છે. અહીં અનેક ગામો અને પહાડી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે, એટલું જ નહીં અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓ હજુ પણ ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે.
મોટાભાગની કનેક્ટિવીટી ખોરવાઈ
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડ્યા બાદ મોટાભાગની કનેક્ટિવીટી ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કાટમાળ રસ્તાઓ પર આવતા 133 રોડ પર આવન-જાવન ઠપ થઈ ગઈ છે. બીજીતરફ રાજ્યની બચાવ-અભિયાન ચલાવતી ટીમ અને એસડીઆરએફની ટીમ લોકોની સુરક્ષા માટે તેમજ સ્થિતિ થાડે પાડવા માટે તમામ પ્રાયસો કરી રહ્યા છે. હાલ રસ્તાઓ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે માર્ગો બંધ થઈ ગયા છે, તેમાં ત્રણ નેશનલ હાઈવે અને આઠ સ્ટેટ હાઈવે સામેલ છે. જ્યારે લોક નિર્માણ વિભાગ હેઠળના 40 રસ્તાઓ પર પણ આવન-જાવન બંધ થઈ ગઈ છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે ફંડ જાહેર કર્યું