દેશમાં મૂશળધાર વરસાદ બાદ 17 રાજ્યોમાં CWCનું એલર્ટ, 21 સ્થળે પૂરનો ખતરો હોવાથી કરાયા સાવધાન
Flood Alert In 17 States After Heavy Rains : દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ બાદ અનેક મુખ્ય નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે પૂરનો ખતરો વધતા કેન્દ્રીય જળ આયોગ (CWC)ના બુલેટિનમાં 17 રાજ્યો માટે મહત્ત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે. આયોગે નદીઓમાં જળસ્તર વધવાના કારણે પાંચ રાજ્યોને સાવધાન કર્યા છે, જ્યારે 13 રાજ્યોના 25 જળાશયો ભરાઈ ગયા છે અથવા તો સ્તરથી ઉપર પહોંચી ગયા હોવાની સૂચના આપી છે. બુલેટિનમાં એવું પણ કહેવાયું છે કે, દેશના 21 સ્થળો પર પૂરના ખતરાની સંભાવના છે, જેમાંથી ચાર સ્થળો પૂરની ગંભીર શ્રેણીમાં છે.
આ પાંચ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
દેશમાં સૌથી વધુ પુરનો ખતરો ઉત્તર પૂર્વના રાજ્યો આસામમાં જોવા મળી રહ્યો છે. આસામમાં ગોલાઘાટ જિલ્લાની ધનસિરી નદી અને બિહારની બાગમતી અને ગંડક નદીઓનું જળસ્તર ખતરાના નિશાનને પાર પહોંચી ગયું છે. આ ઉપરાંત આસામ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની કુલ 17 નદીઓનું જળસ્તર સામાન્યથી વધુ પહોંચી ગયું છે, જો તેનાં જળસ્તરમાં વધુ વધારે થશે તો પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. આયોગના એલર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ‘અત્યાર સુધીમાં દેશની કોઈપણ નદીએ પૂરનું ઉચ્ચતમ સ્તર પાર કર્યું નથી. પરંતુ આસામ અને બિહારમાં ચાર સ્થળો પર પાણીનું જળસ્તર ખતરાના નિશાનને પાર જતું રહ્યું છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે ફંડ જાહેર કર્યું
આસામ-બિહારમાં વિશેષ એલર્ટ
ચોમાસાના વરસાદના કારણે આસામ અને બિહારમાં નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે ત્યાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. આસામની કછાર જિલ્લાની બરાક, કરીમગંજની કુશિયારા અને હૈલાકાંડી જિલ્લાની કટખલ નદીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યારે બિહારની રૂનીસૈદપુર જિલ્લાની બાગમતી નદી અને બસુઆમાં કોસી નદીનું જળસ્તર વધી રહ્યું છે. જોકે હાલ આ તમામ નદીઓ ખતરાના સ્તરથી નીચે છે. જોકે વધુ વરસાદ પડશે અને જળસ્તરમાં વધારો થશે તો પૂર આવવાની સંભાવના છે.
બુલેટિનમાં 13 રાજ્યોને પણ એલર્ટ
ઉત્તર પ્રદેશની ગંગા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. ફતેહગઢ, ગઢમુક્તેશ્વર અને કછલા બ્રિજ સહિત તમામ ‘ગંગા દેખરેખ કેન્દ્રો’એ નદીઓના જળસ્તર ચેતવણી એલર્ટથી ઉપર વહી રહ્યા હોવાનું એલર્ટ જાહેર કર્યું છે. સીડબલ્યુસીના બુલેટિનમાં 13 રાજ્યોને પણ એલર્ટ કરાયા છે. તેમાં કહેવાયું છે કે, 13 રાજ્યોના 25 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અથવા તો મર્યાદિત જળસ્તરથી ઉપર વહી રહ્યા છે. આમાં આંધ્રપ્રદેશનું શ્રીશૈલમ, કર્ણાટકનું એલમટ્ટી, ઓડિશાનું હીરાકુંડ અને મધ્યપ્રદેશનું ઈન્દિરા સાગર અને બરગી બાંધ જેવા મુખ્ય જળાશયો સામેલ છે.
આ પણ વાંચો : ઉદ્ઘાટન પહેલા જ સ્ટેટ હાઈવે પાણીમાં વહી ગયો, જુઓ VIDEO