અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે
Uttarakhand CM Agnipath Scheme Update : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અગ્નિવીરોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રચાયેલી ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓ પ્રસ્તાવિત છે. આ બધી જગ્યાઓ માત્ર અગ્નિવીરોને જ અનામત રાખવામાં આવશે.
અગ્નિવીરોને રોજગારી આપવા માટે સરકારનું આ એક મહત્ત્વનું પગલું
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર જાહેરાત કરતાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, આનાથી વાઘ સંરક્ષણના પ્રયાસોને મજબૂતી તો મળશે જ, એ સાથે અગ્નિવીર તરીકે પોતાની સેવા પૂર્ણ કરી તાલીમ પામેલા યુવાનોને રોજગારીની તકો પણ મળશે. અગ્નિવીરોને રોજગારી આપવા માટે સરકારનું આ એક મહત્ત્વનું પગલું છે. આ સાથે સરકાર તેમને સરકારી સેવાઓમાં 10 ટકા અનામત આપવાની નીતિ પણ બનાવી રહી છે.
ગેરકાયદેસર શિકાર બંધ થશે
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, આ ફોર્સની સ્થાપનાથી વાઘ સંરક્ષણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને તેનાથી વાઘ સંરક્ષણમાં મદદ મળશે અને ગેરકાયદેસર શિકાર રોકી શકાશે. ફોર્સમાં અગ્નિવીર જેવા પ્રશિક્ષિત સૈનિકો જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, ગુપ્ત માહિતી એકત્રિત કરશે અને શિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે. જેથી વન્યજીવન ગુનાઓ પર નિયંત્રિત કરી શકાશે અને આ ફોર્સ લાકડાની દાણચોરી, ગેરકાયદેસર ખાણકામ અને અતિક્રમણ જેવા જંગલ અને વન્યજીવન સંબંધિત અન્ય ગુનાઓને પણ નિયંત્રિત મેળવી શકાશે.
આ પણ વાંચો: ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન... રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો
આ ફોર્સ આધુનિક સુવિધાથી સજ્જ હશે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કેટલીક વાર વાઘ વસ્તીવાળા વિસ્તારોમાં આવી જાય છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ થાય છે. ત્યારે આ ફોર્સ આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે તાલીમબદ્ધ હશે, જેથી બંને પક્ષોને નુકસાન ન થાય. આ ફોર્સ ડ્રોન, થર્મલ ઇમેજિંગ અને જીપીએસ ટ્રેકિંગ જેવી આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેથી કરીને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.