ન તો આધાર, ન તો ઈલેક્શન કાર્ડ.. તો પછી બિહારમાં કયા 11 ડૉક્યુમેન્ટના આધારે થઈ રહ્યું છે વેરિફિકેશન
Bihar Assembly Election 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અહીં સઘન મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના દ્વારા વોટર લિસ્ટને અપડેટ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ પ્રક્રિયામાં એક મોટો ફેરફાર સામે આવ્યો છે. અત્યાર સુધી ઓળખના પુરાવા તરીકે સામાન્ય રીતે સ્વીકારાતા ડૉક્યુમેન્ટ, જેમ કે આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને મનરેગા કાર્ડ વગેરેનો હવે મતદાર ચકાસણી માટે સ્વીકાર કરવામાં નથી આવી રહ્યો.
આ ફેરફાર અંગે વિપક્ષી દળોએ સવાલ પણ ઉઠાવ્યા છે. પરંતુ ચૂંટણી પંચ પોતાની યોજના પર અડગ છે.
હવે આ ડૉક્યુમેન્ટ માંગશે BLO
ચૂંટણી પંચે આ વખતે વેરિફિકેશન માટે 11 પ્રકારના ડૉક્યુમેન્ટને પ્રમાણભૂત પ્રમાણપત્ર તરીકે સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. બૂથ લેવલ ઓફિસર (BLO) આ ડૉક્યુમેન્ટના આધારે વેરિફિકેશન અને નોંધણી કરી રહ્યા છે.
- નિયમિત કર્મચારી અથવા પેન્શનર કર્મચારીઓનું ઓળખપત્ર
- પાસપોર્ટ
- બેંક, પોસ્ટ ઓફિસ, LIC વગેરે દ્વારા 1 જુલાઈ 1987 પહેલા જારી કરવામાં આવેલ કોઈપણ પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર
- માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્ર
- કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- વન અધિકાર પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
- સરકારની કોઈપણ જમીન અથવા મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા તૈયાર કરાયેલ ફેમિલી રજિસ્ટર
આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ અને મનરેગા કાર્ડને કેમ હટાવવામાં આવ્યા?
આધાર કાર્ડ અથવા ઈલેક્શન કાર્ડ જેવા ડૉક્યુમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે નાગરિકની ઓળખ માટે કરવામાં આવે છે, પરંતુ આ ખાસ સુધારણા અભિયાનમાં નાગરિકતા અને કાયમી રહેઠાણના સટીક પુરાવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય બિહારની મતદાર યાદીમાંથી ગેરકાયદેસર વિદેશી ઘુસણખોરોને હટાવાનો છે અને માત્ર એ લોકો યાદીમાં સામેલ હોઈ જે ભારતીય નાગરિક છે. આ અભિયાન 6 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યું છે, તેની શરૂઆત બિહારથી થઈ રહી છે.
આ પણ વાંચો: આસ્થા પુનિયા બન્યા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઈટર પાયલટ, ઉડાવશે ઘાતક લડાકૂ વિમાન
આ ખાસ સુધારા અભિયાન અંગે વિવાદ પણ ઊભો થયો છે. I.N.D.I.A. બ્લોકના અનેક દળોએ ચૂંટણી પંચને મળીને ફરિયાદ કરી છે કે આ પ્રક્રિયા દ્વારા રાજ્યના લગભગ બે કરોડ નાગરિકોને મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવી શકે છે, કારણ કે તેમની પાસે અત્યાર સુધી માન્ય રહેલા દસ્તાવેજો સિવાય કોઈ વૈકલ્પિક પુરાવા નથી.
આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક
વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી પહેલા આ અભિયાન શરૂ કરીને લોકોના મતદાન અધિકાર છીનવી લેવાનો પ્રયાસ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોની આશંકા હોવા છતાં, આ ખાસ સુધારો તમામ પાત્ર નાગરિકોને યાદીમાં સામેલ કરવા માટે છે, તેમને બહાર કરવા માટે નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે.