ઉત્તર પ્રદેશમાં બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત, 16 ઈજાગ્રસ્ત
Road Accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં મંગળવારે (15મી એપ્રિલ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બસે એક રીક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.
લગ્નપ્રસંગે જતા પરિવાર નડ્યો અકસ્માત
ગોંડા-બહરાઇચ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્ત લોકો હુઝુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામના રહેવાસી છે. તેઓ રીક્ષામાં લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બસે રીક્ષાને ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ અઝીમ, ફહાદ, મરિયમ, અમજદ અને મુન્ની તરીકે થઈ છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારના આદેશના ધજાગરા! ભરબપોરે રેલવે લાઇનનું કામ કરતા શ્રમિકનું મોત
આ અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. થોડી જ વારમાં ગોંડા-બહરાઇચ રોડ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા.