Get The App

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન 1 - image


Delhi Car Blast: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં અમેરિકાએ ભારતને મદદની ઓફર કરી છે. જો કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય તપાસ એજન્સીઓની કાર્યક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું કે, 'તેમને અમેરિકાની મદદની જરૂર નથી.'

'ભારતીય અધિકારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે'

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે (12મી નવેમ્બર)ના રોજ કેનેડામાં આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, 'અમે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ભારતને મદદની ઓફર કરી છે. પરંતુ મારું માનવું છે કે તે (ભારતીય તપાસ એજન્સીઓ) ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તે ખૂબ સારું કામ કરી રહ્યા છે.' આ નિવેદન NIA જેવી ભારતીય એજન્સીઓની તપાસ ક્ષમતા પર અમેરિકાના વિશ્વાસને દર્શાવે છે.

G7 બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં G7 બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ વેપાર, સપ્લાય ચેઇન, યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી કે રુબિયોએ દિલ્હી કાર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'અમે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને પુરવઠા શૃંખલાઓ પર ચર્ચા કરી. અમે યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.'


યુએસ એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ આ ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, 'દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરીએ છીએ.'

આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10મી નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલા યુવક પર પડી હતી.

Tags :