Get The App

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ 1 - image


Delhi Red Fort Blast: દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકવાદી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકવાદી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા. 

પોલીસ કાર્યવાહીથી ગભરાઈને ઉતાવળમાં કર્યો બ્લાસ્ટ? 

આતંકવાદીએ 11 દિવસ અગાઉ જ આ કાર ખરીદી હતી. તે ફરીદાબાદના વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો સદસ્ય હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ફરીદાબાદ અને કાશ્મીરમાં થયેલી કાર્યવાહી જોઈ આતંકવાદી ગભરાઈ ગયો અને ઉતાવળમાં બ્લાસ્ટ કર્યો હોવાનો પોલીસને આશંકા છે. પોલીસને એમ પણ આશંકા છે કે આતંકવાદીના પરિવારને પહેલેથી જ જાણ હતી કે તે કટ્ટરપંથી બની ગયો છે છતાં સુરક્ષા એજન્સીઓને જાણ કરી નહીં. 

સરકારે માન્યું- દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો 

નોંધનીય છે કે બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. NIA દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. 

Tags :