'અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..' ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઇચ્છા
What Donald Trump Wants From India: ભારત પર ટેરિફ લગાવવાને લઈને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓની ટિપ્પણીઓમાં હવે અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટનું નામ પણ ઉમેરાયું છે. રાઇટે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 'હું ભારતનો મોટો પ્રશંસક છું અને ભારતને અમેરિકાનું એક શાનદાર સહયોગી છે.' જોકે, તેમણે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા પર વાંધો ઉઠાવ્યો અને નવી દિલ્હીને આ બાબતે ફરી વિચાર કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ભારત પાસે તેલ ખરીદવા માટે ઘણા વૈકલ્પિક સ્રોત ઉપલબ્ધ છે. તેમણે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી.
અમેરિકાનો ભારતના રશિયા સાથેના તેલ વેપાર પર વાંધો
અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે જણાવ્યું કે, 'રશિયા સિવાય ભારત કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર છે. અમારો મુખ્ય ઉદ્દેશ યુદ્ધનો અંત લાવવાનો છે, ભારતને સજા આપવાનો નહીં. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. નોંધનીય છે કે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે.
રશિયન તેલની ખરીદી: અમેરિકાએ ભારત પર ઉઠાવ્યા સવાલ
ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઇટે કહ્યું કે, 'દુનિયામાં ઘણા તેલ નિકાસકારો છે. ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની જરૂર નથી. ભારત રશિયન તેલ એટલા માટે ખરીદે છે કારણ કે તે સસ્તું છે. કોઈ પણ રશિયન તેલ ખરીદવા માંગતું નથી, તેથી તેમને તેલ સસ્તા ભાવે વેચવું પડે છે. ભારતે સસ્તું તેલ ખરીદવાનો વેપાર કર્યો છે અને બીજું પાસું જોઈએ તો, તેના દ્વારા એવા વ્યક્તિ પાસે પૈસા જઈ રહ્યા છે, જે દર અઠવાડિયે હજારો લોકોને મારી રહ્યો છે.'
ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ અને સંબંધોને ગાઢ બનાવવાની વાત
રાઇટે આ અંગે વધુમાં કહ્યું કે, 'અમે ઇચ્છીએ છીએ કે ભારત આ ખરીદી (તેલ) માટે અમારી સાથે કામ કરે. તમે રશિયાને છોડીને દુનિયાના કોઈ પણ દેશ પાસેથી તેલ ખરીદી શકો છો. આ અમારું કહેવું છે. વેચવા માટે અમેરિકા અને અન્ય દેશો પાસે તેલ છે. અમે ભારતને સજા આપવા માંગતા નથી. અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ અને અમે ભારત સાથેના અમારા સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ.'
ક્રિસ રાઇટની વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત
ક્રિસ રાઇટે જણાવ્યું કે, 'હું ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યો હતો અને અમારા દેશો વચ્ચેના સહયોગ અને ભવિષ્ય વિશે વાત કરી હતી. રશિયા યુક્રેનમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે જટિલ છે. અમે અમેરિકામાં કેબિનેટ અને અમારા સહયોગીઓ સાથે મળીને આ યુદ્ધનો અંત લાવવાના રચનાત્મક રસ્તાઓ શોધી રહ્યા છીએ.'
આ પણ વાંચો: VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ
રાઇટે કહ્યું, 'ટ્રમ્પ આ યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે, બસ અને આનાથી એક ફાયદો એ થશે કે સંઘર્ષનો એક રસ્તો સમાપ્ત થઈ જશે. હું ભારત સાથે ઊર્જા અને વેપાર ક્ષેત્રે સહયોગની તરફેણમાં છું. ત્યાં એક સારું ભવિષ્ય છે, પરંતુ આપણે કોઈ પણ રીતે એ શોધવું પડશે કે યુદ્ધનો અંત લાવવા માટે આપણે સાથે મળીને કેવી રીતે કામ કરી શકીએ.'
પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે
તાજેતરમાં, અમેરિકાના એક અન્ય અધિકારીએ દાવો કર્યો છે કે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ શકે છે. તેમણે કહ્યું, 'મને ખાતરી છે પીએમ મોદી અને ટ્રમ્પને મળતા જોશો. તેમના વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધ છે. હાલમાં ક્વાડ સમિટ થવાની છે અને અમે તેની યોજના પર કામ કરી રહ્યા છીએ.'