અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
NSA Ajit Doval In Russia: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાંતિ કરાર માટે આપવામાં આવેલી સમય મર્યાદાના થોડા દિવસ પહેલા જ થઈ હતી. બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. જ્યારે બીજી બાજુ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ આજે મોસ્કોમાં રશિયાના અધિકારીઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે. અમેરિકાએ રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદ્યા બાદ બંને દેશોના દિગ્ગજ અધિકારીઓ પહેલી બેઠક કરશે.
સૂત્રો અનુસાર, ડોભાલની આ મુલાકાતનો ઉદ્દેશ રશિયા અને ભારત વચ્ચે સુરક્ષા, આર્થિક અને ઉર્જા ક્ષેત્રે વેપારને વેગ આપવાનો છે. તેમજ અમેરિકની ટેરિફ નીતિનો આક્રમક જવાબ આપતાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવાનો છે. બંને દેશની સરકારે અમેરિકાના ટેરિફ પગલાંને ગેરવાજબી ગણાવી ટીકા કરી છે. ભારત ચીન બાદ બીજો ટોચનો રશિયન ક્રૂડ ઓઈલનો ખરીદદાર છે.
આ પણ વાંચોઃ ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે?
પુતિને અમેરિકાના વિશેષ દૂત સાથે કરી બેઠક
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રશિયન્સ અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા માટે આતુર છે. યુદ્ધ વિરામ માટે આપવામાં આવેલી સમય મર્યાદા આ શુક્રવારે પૂરી થશે. જો કે, રશિયાએ શાંતિ કરાર માટે કોઈ પહેલ હાથ ન ધરતાં વધુ પ્રતિબંધો લાગુ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે, વ્હાઇટ હાઉસે વિટકોફ-પુટિન વાટાઘાટો વિશે વધુ માહિતી આપી ન હતી. પરંતુ કહ્યું હતું કે આ મુલાકાત ક્રેમલિન પર દબાણ જાળવી રાખતાં "વ્યૂહાત્મક રાજદ્વારી"માં જોડાવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.
રશિયાને પણ આપી ધમકી
અમેરિકાએ ચેતવણી આપી છે કે, શાંતિ કરાર નિશ્ચિત સમય મર્યાદા સુધીમાં કરવામાં નહીં આવે તો રશિયાએ ગંભીર આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે. જેનાથી રશિયામાંથી ઓઈલની આયાત કરનારા દેશો પણ પ્રભાવિત થઈ શકે છે. રશિયા માટે ટ્રમ્પની સમય મર્યાદા શુક્રવારે સમાપ્ત થશે.