અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે રશિયન પ્રમુખ પુતિન ઓગસ્ટમાં ભારત આવે તેવી શક્યતા
Image: IANS |
Putin likely to visit India: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ઑગસ્ટમાં ભારત આવે તેવી શક્યતા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. નોંધનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કોની સત્તાવાર મુલાકાતે ગયા છે. ત્યાર પછી એવા અહેવાલ વહેતા થયા હતા કે, રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદવાના અમેરિકાના દબાણને પગલે રશિયન પ્રમુખ પુતિન ભારતની સત્તાવાર મુલાકાતે આવી શકે છે.
અમેરિકાના પ્રેશર વચ્ચે ભારત-રશિયા ઘડશે વ્યૂહનીતિ?
અમેરિકા ભારત પર રશિયા સાથે વેપાર ન કરવા સતત દબાણ કરી રહ્યું છે. જેના માટે ગઈકાલે જ તેણે ભારત પર વધુ 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો. વધુમાં ધમકી આપી છે કે, જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તે ભારત પર ટેરિફમાં વધારો કરશે અને અન્ય પ્રતિબંધો પણ લાદશે. અમેરિકાના આ દબાણ વચ્ચે ભારત અને રશિયા વેપાર અર્થે મહત્ત્વની વ્યૂહનીતિ ઘડી શકે છે. બંને દેશ પોતાના વેપાર સંબંધો વધારવા પર ફોકસ કરી રહ્યા છે.
રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત અને રશિયાએ હવે ઔપચારિક રૂપે તાંબા, લિથિયમ, કોબાલ્ટ, નિકલ જેવા રેર અર્થ મિનરલ્સની શોધ અને ઉત્પાદન પર કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજોની માગ વિશ્વભરમાં વધી રહી છે. ઈલેક્ટ્રિક વાહન, બેટરી સ્ટોરેજ, વિન્ડ ટર્બાઇન અને હાઇડ્રોજન એનર્જી જેવી ઉભરતી ટૅક્નોલૉજીમાં આ દુર્લભ ખનિજોનો વપરાશ વધ્યો છે. જેથી ભારત અને રશિયા ભાગીદારી કરી ક્લિન એનર્જીના વધતા વ્યાપમાં આત્મનિર્ભર થવાની સાથે વૈશ્વિક બજારોમાં પોતાની પકડ મજબૂત બનાવશે. ભારત હવે રશિયા સાથે મળી આર્થિક અને ટૅક્નોલૉજી મોરચે ખુલીને આગળ વધી રહ્યા છે.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ
ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા અગાઉ પણ બેચેન હતું. ગઈકાલે ટ્રમ્પે વધુ એક આદેશ જાહેર કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકા હવે ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જો કે, અમુક પ્રોડક્ટ્સમાં હજુ રાહત મળી છે. પરંતુ સૌથી વધુ નિકાસ કરતાં કપડાં, ચામડું અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સેક્ટર પર માઠી અસર થઈ શકે છે.
ભારતના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા હેરાન
નિષ્ણાતોના મતે, ભારત સતત ઊભરતું અર્થતંત્ર બન્યું છે. તે લગભગ તમામ સેક્ટર્સમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ ગતિ કરી રહ્યું છે. વાસ્તવમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અમેરિકા ભારતના ગ્રોથથી પણ હેરાન છે. વધુમાં ભારતના ફ્યુચર ટૅક્નોલૉજી પર વૈશ્વિક સ્તરે સ્પર્ધા આપવાના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા નારાજ હોવાના અહેવાલ છે. જેથી તે ભારત પર દબાણ બનાવવા આ પ્રકારના મનસ્વી ટેરિફ વલણો અપનાવી રહ્યું છે.