Uric Acid News : યુરિક એસિડનું સ્તર જે એક સમયે મોટાભાગે વૃદ્ધ વયસ્કો સાથે સંકળાલેયું હતું તે હવે 20 અને 30ના દાયકાના યુવાન ભારતીયોમાં ગંભીર સ્વાસ્થ્ય ચિંતા તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે. દેશભરના ડોક્ટરોને હાઈપરયુરિસેમિયામાં સતત વધારો જણાઈ રહ્યો છે.
ઘણા સ્ક્રીનિંગમાં સ્પષ્ટ થયું છે કે અન્ય રીતે સ્વસ્થ દેખાતા 21 થી 25 ટકા યુવા પુખ્તોમાં પણ યુરિક એસિડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્રોનિક બીમારી ધરાવતા લોકોમાં આ જોખમ વધુ છે, હાઈપરટેન્શન ધરાવતા લોકોમાં 22.5 ટકા અને ક્રોનિક કિડની રોગ ધરાવતા વ્યક્તિઓમાં 38.4 ટકા આ જોખમ જણાયું છે. નોંધનીય છે કે પ્રાદેશિક ભિન્નતાઓ તીવ્ર છે, ભારતના પૂર્વીય પ્રદેશોમાં હાઈપરટેન્શન દર્દીઓમાં તેનો વ્યાપ સૌથી વધુ 38.4 ટકા છે જ્યારે મધ્ય ભારતમાં 12.2 ટકા છે.
નિષ્ણાંતોના મતે યુવાનોમાં યુરિક એસિડમાં જોવા મળતો ઉછાળો બદલાથી જીવનશૈલી અને આહારની આદતોને કારણે થયો છે. તેમના મતે યુવા વસતી પેકેટ ખોરાક, ફાસ્ટ ફૂડ, લાલ માંસ, સાકર યુક્ત પીણાઓ અને પ્રોસેસ્ડ નાસ્તાઓ પર વધુ મદાર રાખે છે, સાથે બેઠાડુ જીવનશૈલી, અપૂરતો વ્યાયામ, સ્થૂળતા અને વધતી મેટાબોલિક વિકૃતિઓ યુરિક એસિડના વધારા માટેની સ્થિતિ સર્જે છે.
તણાવ,અપૂરતી ઊંઘ અને કામના લાંબા કલાકો આ સમસ્યાને વધુ વકરાવે છે. પ્યુરિનના ભંગાણથી વધતો કચરો યુરિક એસિડ સામાન્યપણે કિડની દ્વારા કાઢી નાખવામાં આવે છે. પણ જ્યારે વધુ પ્રમાણમાં સર્જન અથવા ઘટતા નિષ્કાસનને કારણે આ પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાય છે ત્યારે લોહીમાં તેનું સ્તર અસાધારણ રીતે વધી જાય છે.
સામાન્ય રીતે યુરિક એસિડ વધવાથી સંધિવા થાય છે પણ ડોક્ટરોએ ચેતવણી આપી છે કે તેના પરિણામો વધુ ઊંડા હોઈ શકે. હાઈપરયુરિસેમિયાથી સ્થૂળતા, ડાયાબીટીસ, હાઈપરટેન્શન, કિડનીની બીમારી અને હૃદયરોગની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. યુવાનો મોટાભાગે લક્ષણો ગંભીર બને ત્યાં સુધી યુરિક એસિડના સ્તરના વધારાથી અજાણ હોય છે.
નિષ્ણાંતોના મતે પ્રારંભિક સંકેતોમાં સાંધાનો દુ:ખાવો, વારંવાર થતી કિડનીની પથરી, શરીરમાં પીડા, અક્કડપણુ અથવા સોજા સામેલ છે. વધુ વજન, ડાયાબીટીસ, હાઈપરટેન્સિવ અથવા સંધિવાનો પારિવારીક ઈતિહાસ ધરાવતા દર્દીઓેએ યુરિક એસિડની નિયમિત ચકાસણી કરાવવી જોઈએ.
જો કે પ્રોત્સાહજનક બાબત છે કે હાઈપરયુરિસેમિયાની સારવાર સરળ પણ સાતત્યપૂર્ણ જીવનશૈલી ફેરફારથી શક્ય છે. આહારમાં લાલ માંસ ઘટાડીને શાકભાજી, ઓછી ચરબીની દુગ્ધ બનાવટો અને આખા ધાન્ય નોંધપાત્ર લાભ કરી શકે. નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, વજન નિયમન, હાઈડ્રેશન અને તણાવમાં ઘટાડા જેવી દૈનિક આદતો મહત્વની સાબિત થઈ શકે.


