'પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડનો બંગલો તાત્કાલિક ખાલી કરાવો...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
Supreme Court Letter on DY Chandrachud: સુપ્રીમ કોર્ટ પ્રશાસને કેન્દ્ર સરકારને પૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય ચંદ્રચુડનો બંગલો ખાલી કરવા માટે પત્ર લખ્યો છે. પૂર્વ CJI નિવૃત્તિ પછી પણ આ બંગલામાં રહે છે. સુપ્રીમ કોર્ટ પ્રશાસને પત્રમાં લખ્યું છે કે 'તેમને જે સમયમર્યાદા માટે મંજૂરી આપી હતી તે પૂર્ણ થઈ ગઈ છે.' પત્રમાં બંગલો ખાલી કરીને તેમને કોર્ટના હાઉસિંગ પૂલમાં પરત કરવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પત્ર પહેલી જુલાઈના રોજ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયને મોકલ્યો છે.
બંગલામાં રહેવાની સમયમર્યાદા 21મી મેના રોજ સમાપ્ત થઈ ગઈ
અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે પત્રમાં લખ્યું છે કે ડી.વાય ચંદ્રચુડને કોઈપણ વિલંબ વિના બંગલો નંબર પાંચ ખાલી કરવા માટે કહેવામાં આવે. આ બંગલામાં રહેવાની તેમની પરવાનગી માટે લંબાવવામાં આવેલી સમયમર્યાદા 21મી મે 2025ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત, 2022 નિયમોના નિયમ 3B હેઠળ આપવામાં આવેલ છ મહિનાનો સમયગાળો 10મી મે 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે' નોંધનીય છે કે, કેન્દ્ર સરકારને લુટિયન્સ દિલ્હીમાં કૃષ્ણ મેનન માર્ગ પર સ્થિત બંગલો નંબર પાંચ તાત્કાલિક ખાલી કરવાની માંગ કરવામાં આવી છે. આ બંગલો સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટના વર્તમાન CJIનું નિવાસસ્થાન છે.
ઉલ્લેખનીય છે કે, ડી.વાય ચંદ્રચુડ નવેમ્બર 2022થી નવેમ્બર 2024 સુધી દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમના કાર્યકાળના લગભગ આઠ મહિના પછી પણ, તેઓ હજુ પણ ટાઇપ VIII બંગલામાં રહે છે. તેમના પછી મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ સંજીવ ખન્ના અને વર્તમાન CJI જસ્ટિસ ભૂષણ આર ગવઈ CJI ના સત્તાવાર નિવાસસ્થાને ગયા ન હતા. તે બંને તેમના અગાઉ ફાળવેલા બંગલામાં રહેતા રહ્યા.