Get The App

'સત્તાના ભૂખ્યાં ઠાકરે બંધુઓ મજબૂર, ભાઈચારાની નૌટંકી કરી..', શિંદે અને ફડણવીસના વળતા પ્રહાર

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
'સત્તાના ભૂખ્યાં ઠાકરે બંધુઓ મજબૂર, ભાઈચારાની નૌટંકી કરી..', શિંદે અને ફડણવીસના વળતા પ્રહાર 1 - image


Maharastra Politics News : ગઈકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં 20 વર્ષ બાદ એક મોટું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે બે દાયકાની કડવાશ ભૂલાવી ઠાકરે બંધુ(ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) એક જ મંચ પર જાહેરમાં સાથે દેખાયા. 'મરાઠી ગૌરવ'ના નામે આયોજિત આ રેલી સમર્થકો માટે ભાવનાત્મક સાબિત થઇ હતી. આ રેલીમાં બંને ભાઈઓએ સત્તાપક્ષ ભાજપ અને એકનાથ શિંદે તથા હિન્દી ભાષા વિવાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા. 

જોકે હવે આ મામલે ભાજપ અને મહાયુતિ ગઠબંધનના નેતાઓએ ઠાકરે બંધુઓના એક મંચ પર આવવાને રાજકીય મજબૂરી અને ભાઈચારાની નૌટંકી ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના ભાષણ પર કટાક્ષ કરતા કહ્યું, "રાજ ઠાકરેએે મરાઠી ભાષા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી, જ્યારે ઉદ્ધવનું આખું ભાષણ ઈર્ષ્યા, કડવાશ અને સત્તાની લાલસાથી ભરેલું હતું." શિંદેએ કહ્યું કે મરાઠી માનુષનો અવાજ બનવાને બદલે, આ રેલી સત્તા મેળવવાનો વ્યક્તિગત પ્રયાસ બની ગઈ. 

શિંદેએ ઉદ્ધવને ઘેર્યા 

તેમણે ઉદ્ધવ પર 2019 માં ભાજપ સાથેના સંબંધો તોડીને મરાઠી ઓળખ અને બાળાસાહેબની વિચારધારા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો. રાજ્યના મંત્રી આશિષ શેલારે પણ આ મામલે કહ્યું કે આ તો ભાઈ ભાઈનો મેળાપ હતો તેણે આ મરાઠી ભાષાના પ્રેમ સાથે કોઈ લેવા નહોતા. 

અમે હવે એકજૂટ 

મુંબઈના NSCI ડોમ ખાતે આયોજિત વિશાળ રેલીમાં, ઠાકરે બંધુઓએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં કહ્યું હતું કે હવે અમે સાથે આવીએ છીએ અને સાથે જ રહીશું અને સાથે મળીને હવે મુંબઈ અને મહારાષ્ટ્રમાં સત્તા મેળવીશું." રાજ ઠાકરેએ કટાક્ષ કર્યો, "બાળા સાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. તેમણે અમને એક મંચ પર લાવ્યા."

ભાષા વિવાદ અંગે કરી ટિપ્પણી 

બંને નેતાઓએ ભાજપ પર હિન્દી લાદવાનો, મરાઠી ઓળખને નબળી પાડવાનો અને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રાજ ઠાકરેએ કહ્યું, "જો હિન્દીભાષી રાજ્યો આર્થિક રીતે પછાત છે, તો હિન્દીએ તેમને પ્રગતિ કેમ ન આપી? અમે કોઈપણ ભાષાના વિરોધી નથી, પરંતુ મરાઠીને બળજબરીથી પાછળ ધકેલી શકાય નહીં."

ભાજપે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું, "જો મેં ઠાકરે બંધુઓને એક કર્યા છે તો કદાચ બાલાસાહેબની પણ મારા પર કૃપા છે.  બંને ભાઈઓની રેલીને એક રોતડું કાર્યક્રમ ગણાવતા કહ્યું કે "મરાઠીઓના નામે સત્તાનું રાજકારણ થઈ રહ્યું છે." ફડણવીસે એમ પણ પૂછ્યું, "તમારી પાસે 25 વર્ષ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હતું, તમે મરાઠી માટે શું કામ કર્યું?"

Tags :