ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- 'GSનું પેપર અઘરું અને લાંબુ હતું...'
UPSC Prelims Exam 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે રવિવારે (25 મે, 2025)ના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ પરીક્ષા યોજાઈ હતી. UPSCની પ્રિલિમ્સ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. જેમાં પહેલું પેપર GSનું સવારે 9:30થી 11:30 વાગ્યે અને બીજુ પેપર CSATનું બપોરે 2:30થી 4:30 વાગ્યામાં લેવામાં આવ્યું હતું. જેમાં GSનું પેપર મધ્યમથી અઘરું હોવાનું ઉમેદવારોનું કહેવું છે. CSATને લઈને પ્રિલિમ્સનું મેરિટ હાઈ જવાની શક્યતા છે. બીજી તરફ, UPSCનું પેપર 30 હજારમાં મળી જશે એવી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હોવાનું સામે આવ્યું હતું. UPSCની પ્રિલિમ્સની આન્સર-કી અને વિસ્તૃત એનાલિસિસ આગામી દિવસોમાં UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in જાહેર કરાશે.
ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા
UPSC સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ 2025ની પરીક્ષામાં જનરલ સ્ટડીજનું પેપર-1ને લઈને કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પેપર-1 મધ્યમથી અઘરું અને લાંબુ હતું. જેમાં સમય ઓછો હોવાના કારણે અંતિમ સવાલો સુધી પહોંચવું મુશ્કેલ રહ્યું હતું. જેમાં ઈતિહાસના પ્રશ્નો, ભૂગોળના મેપ આધારિત સવાલો અઘરા હતા. જ્યારે CSATના પેપરથી પ્રિલિમ્સનું મેરિટ ઊંચું જવાનો અંદાજ છે.
ગુજરાતમાં 25000 ઉમેદવાર નોંધાયા
UPSCની પ્રિલિમ્સમાં ગુજરાતમાં 25000 ઉમેદવાર નોંધાયા છે. જેમાં રાજકોટ, સુરત સહિતમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 3157 ઉમેદવાર UPSCની પરીક્ષા આપી છે. જ્યારે સુરત કેન્દ્ર પરથી 4454 ઉમેદવારો પરીક્ષા આપી હતી. સોશિયલ મીડિયા, વિવિધ ક્લાસિસ અને જાત મહેનતે અનેક ઉમેદવારો IAS, IPS સહિત ક્લાસ 1-2 અધિકારી બનવાના સપના લઈને તૈયારી કરતાં હોય છે, ત્યારે પરીક્ષાને લઈને રાજ્યના ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'UPSCની પરીક્ષાની તૈયારી ઓનલાઇન યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી રહ્યો છું.' જ્યારે એક મહિલા ઉમેદાવારે કહ્યું કે, 'હું છેલ્લા બે વર્ષથી UPSCની તૈયારી કરું છું. મારે IAS-IPS બનવાનું સ્વપ્ન છે.'
આ પણ વાંચો: Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત
દેશભરમાં આજે રવિવારે UPSC સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ 2025ની પરીક્ષા લેવામાં આવી છે. તેવામાં સોશિયલ મીડિયા માધ્યમ પર 30 હજારમાં UPSCના પેપર વેચાતા હોવાની રીલ વાઈરલ થઈ હતી. જેમાં UPSCનું GD અને CSATના પેપરની PDF ઇન્સ્ટાગ્રામમાં મળી જશે, તેવું લખ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે.