| (PHOTO - X) |
Pankaj Chaudhary on Brahmin MLAs Meet: યુપી ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ બ્રાહ્મણ જ્ઞાતિની અલગ બેઠકો બોલાવતા ધારાસભ્યો સામે લાલ આંખ કરી છે. તેમણે પક્ષના તમામ જનપ્રતિનિધિઓને સખત શબ્દોમાં તાકીદ કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની નકારાત્મક રાજનીતિમાં ન ફસાય. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે, 'આ પ્રકારની પ્રવૃત્તિઓ ભાજપના આદર્શો અને તેના બંધારણની વિરુદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ એક એવી રાજકીય વિચારધારા ધરાવે છે જે માત્ર સિદ્ધાંતો પર ચાલે છે, અહીં પક્ષ કે કાર્યકર્તાઓ કોઈ વિશેષ જ્ઞાતિ કે પરિવારવાદના આધારે રાજકારણ ખેલવામાં બિલકુલ વિશ્વાસ રાખતા નથી.'
પાર્ટી લાઈનથી અલગ જ્ઞાતિગત રાજનીતિનો પ્રયાસ
કુશીનગરના ધારાસભ્ય પી.એન. પાઠકના ઘરે જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હતું ત્યારે બ્રાહ્મણ ધારાસભ્યોની એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના રાજકારણમાં બ્રાહ્મણોના પ્રભુત્વ અને સ્થિતિ અંગે મંથન કરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ જ પ્રદેશ પ્રમુખે પોતાનું આ નિવેદન જાહેર કર્યું છે.
બેઠક બાદ પ્રદેશ પ્રમુખનું કડક નિવેદન
પંકજ ચૌધરીએ આ બાબતે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'અમે તમામ જનપ્રતિનિધિઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે આવી કોઈપણ પ્રવૃત્તિ ભાજપની બંધારણીય રીતભાત સાથે સુસંગત નથી. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભવિષ્યમાં આવી ગતિવિધિઓથી સાવચેત રહેવા અને તેનાથી દૂર રહેવાની કડક તાકીદ કરી છે.' વધુમાં તેમણે ચેતવણી આપી કે જો હવે પછી કોઈ પણ પ્રતિનિધિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે, તો તેને પક્ષના શિસ્તનો ભંગ ગણીને બંધારણીય કાર્યવાહી કરવામાં આવશે.
જ્ઞાતિવાદની રાજનીતિ કરનારા પક્ષોનું ભવિષ્ય અંધકારમય
પ્રદેશ ભાજપ અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું કે, 'પીએમ મોદીએ જે વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો છે, તેની સામે રાજ્યમાં વિપક્ષો દ્વારા ખેલાતી જ્ઞાતિવાદની રાજનીતિ હવે અંતિમ શ્વાસ લઈ રહી છે.' તેમણે ઉમેર્યું કે સપા, બસપા અને કોંગ્રેસ જેવા પક્ષો- જેઓ માત્ર જાતિગત સમીકરણો પર ટકેલા છે, તેમનું ભવિષ્ય હવે અંધકારમય દેખાઈ રહ્યું છે અને આ જ કારણસર તેઓ હતાશ થઈને ભાજપ વિરુદ્ધ પાયા વિહોણા પ્રહાર કરી રહ્યા છે. તેમણે અંતમાં શિખામણ આપી કે ભાજપના તમામ જનપ્રતિનિધિઓએ પક્ષની મર્યાદા અને અનુશાસનનું પાલન કરવું જોઈએ અને વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવતા આવા નકારાત્મક પ્રચારથી દૂર રહેવું જોઈએ.


