‘તમામ જગ્યાએ પહોંચીશું...’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન

Uttar Pradesh Political News : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ કાશી-મથુરા પર ચાલી રહેલા વિવાદ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ ખાનગી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેમાં તેમણે કાશી-મથુરા વિવાદ પરના સવાલ પર કહ્યું કે, ‘અમે તમામ જગ્યાએ પહોંચીશું અને પહોંચી ચૂક્યા છીએ. વારસા પર કોઈપણ સમાજને ગૌરવની અનુભૂતિ થવી જોઈએ અને તે જ દિશામાં આ બધા કાર્યોનો પ્રારંભ થયો છે.
આજે બાબરી મસ્જિદ તોડી પાડવાનો દિવસ, એક કલંક દૂર થયું : CM યોગી
અયોધ્યાના નિર્ણય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કહ્યું કે, ‘અમે સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ. તેમણે સર્વસંમતિથી તથ્યો અને પુરાવાઓના આધારે એક ફેંસલો સંભળાવ્યો અને ભારતના લોકતંત્રના કારણે તેને તમામે સ્વીકાર્યો. આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આજે બાબરી મસ્જિદ તોડી પાડ્યાની વર્ષગાંઠનો દિવસ છે. સ્વાભાવિક રીતે એક કલંક દૂર થયું. શ્રી રામજન્મ ભૂમિમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ થયા બાદ કરોડો લોકોએ ત્યાં આવીને દર્શન કર્યા.’
આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
‘જે આંદોલન થયા તે જરૂરી હતા’
તેમણે વધુમાં કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરાયા બાદ 24 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અહીં ભગવાન રામના દર્શન કર્યા. તહેવારો ટાણે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 35થી 40 લાખ સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોમાં એકથી દોઢ લાખ શ્રદ્ધળુઓ અયોધ્યા આવે છે. દેશના વિકાસ માટે આવનારી પેઢી સમક્ષ એક નવું ઉદાહરણ ઊભું થયું. જે આંદોલન થયા તે જરૂરી હતા. આગામી સમયમાં પણ તેમાં અમારી સક્રિયા ભૂમિકા રહેશે.’
શાહી ઈદગાહ અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ
ઉલ્લેખનીય છે કે, મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ(Mathura Shahi Eidgah Mosque Dispute)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી છે. હિન્દુ અરજદારોનું કહેવું છે કે, 17મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબે કૃષ્ણના જન્મસ્થળ પર એક મંદિર તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. જ્યારે વારાણસીના કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ(Varanasi Gyanvapi Mosque Controversy)ની તપાસ ચાલી રહી છે. આ મસ્જિદ અંગે દાવો છે કે, કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાયું હતું. આ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ વિવાદ મુદ્દે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં તે સ્થળે પહેલેથી જ એક હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા છે.
આ પણ વાંચો : ઈન્ડિગોની મુશ્કેલી વધી ! કેન્દ્ર સરકાર એક્શમાં, સુપ્રીમ કોર્ટમાં PIL

