Get The App

ઇન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL 1 - image


Indigo Crisis : દેશના ઍરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઇન્સ કંપની ઇન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઇએલ કરવામાં આવી છે. અનેક ઍરપોર્ટ પરના ફ્લાઇટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલિક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે 8.00 વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઇન્ડિગોને આદેશ આપ્યો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, ઍરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઇન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરવામાં આવી છે.

48 કલાકમાં લગેજ આપી દો : મંત્રાલયનો આદેશ

મંત્રાલયે ઇન્ડિગોને પેસેન્જરના લગેજ પણ 48 કલાકમાં પરત આપવાનો તેમજ અન્ય એરલાઇન્સ કંપનીઓને નિર્ધારીત ભાડા કરતાં વધુ ભાડું ન લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો તાત્કાલિક એક્શન લેવાની પણ ચેતવણી અપાઈ છે. શુક્રવાર બાદ શનિવારે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટો રદ થઈ હતી, જેને પગલે મુસાફરોએ રિફંડ અને સામાન ન મળવાની ફરિયાદો કરી હતી.

ઇન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL 2 - image

ઇન્ડિગો મામલે સુપ્રીમ કોર્ટમાં PIL

ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ભયંકર ઑપરેશનલ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. ‘ઇન્ડિગો ઓલ પેસેન્જર એન્ડ અનધર’ જૂથ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં આ પરિસ્થિતિને આકાશમાં 'માનવતાવાદી સંકટ' ગણાવીને તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, ઇન્ડિગોએ તાજેતરમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે હજારો મુસાફરો ફસાયા છે. PIL દાવો કરે છે કે, આના કારણે નાગરિકોના બંધારણીય અધિકારો(કલમ-21)નું ગંભીર ઉલ્લંઘન થયું છે, કારણ કે ઍરપોર્ટ્સ પર નવજાત શિશુઓ, વરિષ્ઠ નાગરિકો અને બીમાર દર્દીઓને ખોરાક, પાણી કે આરામની જગ્યા જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી નથી. ઇન્ડિગોએ આ અવ્યવસ્થા માટે પાયલોટના નવા FDTL નિયમોના અમલીકરણ દરમિયાન થયેલી આયોજનની ભૂલોને જવાબદાર ઠેરવી છે, પરંતુ અરજીમાં DGCA પર પણ પૂરતી દેખરેખ ન રાખવાનો આરોપ છે. PILમાં સુપ્રીમ કોર્ટને નિયમ બંધ કરાવવા, ફસાયેલા મુસાફરો માટે અન્ય એરલાઇન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપવા અને DGCA પાસેથી રિપોર્ટ માંગવાની વિનંતી કરવામાં આવી છે.

ઇન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL 3 - image

ઍરપોર્ટે પર અફરાતફરી, ચાર દિવસમાં 2000 ફ્લાઇટ કેન્સલ

રિપોર્ટ મુજબ મુંબઈ ઍરપોર્ટ પર ચાર દિવસથી લગેજ ન અપાતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત બેંગલુરુ, કોલકાતા સહિત અનેક ઍરપોર્ટો પર મુસાફરોને ભારે ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે. બીજી તરફ પાંચ દિવસે પણ ઇન્ડિગોની ઓપરેશન ખામી યથાવત્ છે. સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા મુજબ, દેશના ચાર મોટા ઍરપોર્ટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ સહિત ઘણાં શહેરોમાં આજે ઇન્ડિગોની 400થી વધુ ફ્લાઇટો રદ થઈ છે. છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે.

ઇન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL 4 - image

DGCAના નવા નિયમને કારણે ઇન્ડિગોની વધી મુશ્કેલી

મંત્રાલયે દેશની તમામ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 'ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન' (FDTL) લાગુ કરવામાં 10 ફેબ્રુઆરી-2026 સુધી હાલ પૂરતી રાહત આપી છે. અઠવાડિયામાં એક દિવસ આરામ આપવાના બદલે કોઈપણ રજા ન આપવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઇન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઇટો રદ અને વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ઇન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર લેવાશે એક્શન

FDTLનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ

ઉલ્લેખનીય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઇથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઇટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઇન્ડિગો સહિતની એરલાઇન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરિયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ

Tags :