VIDEO: ભારતે UNમાં લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપતા સ્વિત્ઝર્લેન્ડની બોલતી બંધ કરાવી
India's Response On Switzerland In UNHRC: ભારતે સ્વિત્ઝર્લેન્ડની લઘુમતીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેની ટિપ્પણી પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 60મા સત્રમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ આ ટિપ્પણીને આશ્ચર્યજનક, ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત ગણાવી. તેમણે સ્વિત્ઝર્લેન્ડને ભારતને ઉપદેશ આપવાને બદલે પોતાના દેશમાં ફેલાયેલા જાતિવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા (વિદેશીઓ પ્રત્યેની નફરત) ને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી.
ક્ષિતિજ ત્યાગીએ સ્વિત્ઝર્લેન્ડને અરીસો બતાવ્યો
ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે, 'ભારત બહુલવાદની મજબૂત પરંપરા ધરાવતો, વિશ્વનો સૌથી મોટો, વિવિધતાપૂર્ણ અને જીવંત લોકતંત્ર છે. તેમજ ભારત જાતિવાદ અને ભેદભાવને દૂર કરવામાં સ્વિત્ઝર્લેન્ડને મદદ કરી શકે છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે વૈશ્વિક મંચ પર માનવ અધિકારોની હિમાયત કરનાર સ્વિત્ઝર્લેન્ડમાં જ લઘુમતીઓ સાથે ભેદભાવ અને જાતિવાદ થાય છે, જેના પર હજુ સુધી કોઈ નિયંત્રણ આવી શક્યું નથી.'
સ્વિત્ઝર્લેન્ડના નિવેદનો ખોટા અને અવાસ્તવિક: ભારત
સ્વિત્ઝર્લેન્ડ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનો અધ્યક્ષ છે, તેથી તેની જવાબદારી વધી જાય છે. UNHRCના અધ્યક્ષ તરીકે સ્વિત્ઝર્લેન્ડની જવાબદારી છે કે તે આવા ખોટા અને અવાસ્તવિક નિવેદનો ન આપે. સ્વિત્ઝર્લેન્ડે ટિપ્પણી કરી હતી કે તે ભારતમાં લઘુમતીઓની સુરક્ષા માટે તૈયાર છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમજ મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરવા માટે પણ ભારતને આહ્વાન કરે છે.
સ્વિત્ઝર્લેન્ડમાં લઘુમતીઓની સ્થિતિ શું છે?
સ્વિત્ઝર્લેન્ડ એક બહુભાષી દેશ છે. અહીં જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન અને રોમાન્શ એમ ચાર ભાષાઓ બોલાય છે. વર્ષ 2023 સુધીમાં સ્વિત્ઝર્લેન્ડની વસ્તી 9 મિલિયન (90 લાખ) છે, જેમાં 40% અહીંના મૂળ લોકો છે અને 31% વિદેશીઓ (પ્રવાસીઓ) છે.
ભારતે યુએનમાં પાકિસ્તાનને આતંકવાદ પર ઘેર્યું
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને પણ કડક જવાબ આપ્યો. ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે તે માનવાધિકાર પરિષદનો ખોટો ઉપયોગ કરે છે અને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
ભારતના રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું કે, 'પાકિસ્તાનનું નેતૃત્વ રાજકીય નિવેદનો આપે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે, જે ભારત માટે ક્યારેય સ્વીકાર્ય નથી.' તેમણે પુલવામા, ઉરી, પઠાણકોટ, મુંબઈ અને પહલગામ જેવા હુમલાઓનો ઉલ્લેખ કરીને આતંકવાદને પાકિસ્તાનના સમર્થનનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: 'મેચ થવા દો, અમે રોક નહીં લગાવીએ', SCએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી
ત્યાગીએ પાકિસ્તાનને યાદ અપાવ્યું કે તેણે ઓસામા બિન લાદેનને પણ આશ્રય આપ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું કે, 'ભારતને આતંકવાદના પ્રાયોજક પાસેથી કોઈ ઉપદેશ કે સલાહની જરૂર નથી. જે દેશે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી હોય અને પોતાના જ લઘુમતીઓ પર અત્યાચાર કરતો હોય, તે ભારતને સલાહ ન આપે તો જ સારું.'