'મેચ થવા દો, અમે રોક નહીં લગાવીએ', SCએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી
Supreme Court on India-Pakistan T20 Match: સુપ્રીમ કોર્ટે 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 મેચ રદ કરવા મામલે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મેચ થવા દો, અમે તેને રોકીશું નહીં. એલએલબીના ચાર વિદ્યાર્થી દ્વારા પહલગામ આતંકી હુમલા સહિત અન્ય ઘટનાઓનો હવાલો આપતાં પાકિસ્તાન સાથે યોજાનારી મેચ રોકવા અપીલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ અપીલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં એશિયા કપની ટી20 મેચ યોજાવાની છે. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સમક્ષ આ મામલે અરજી થઈ હતી કે, 'રવિવારે મેચ યોજાવાની છે, આથી અપીલને શુક્રવારે લિસ્ટ કરવામાં આવે.' આ અંગે કોર્ટે કહ્યું કે, 'અમે રોક મૂકીશું નહીં, મેચ થવા દો.' વકીલે ફરીથી સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ 'એક જ ઓવરમાં 3 વિકેટ, હવે તો કુલદીપ આગામી મેચ નહીં રમે...' ગંભીર પર કોણે કર્યો કટાક્ષ?
ઉર્વશી જૈનના નેતૃત્વ હેઠળ લૉના ચાર વિદ્યાર્થીઓએ અરજી કરી હતી કે, પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી રાષ્ટ્રીય ગરીમા અને જન લાગણીને દુભાવે છે. 2025 એશિયા કપ માટે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે.
પાકિસ્તાન સાથે મેચ ન રમવા કરી અપીલ
અપીલમાં કહ્યું હતું કે, દેશો વચ્ચે ક્રિકેટ સદભાવના અને મિત્રતા માટે રમાતી હોય છે. પરંતુ પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ આપણા લોકો માર્યા ગયા છે, આપણા સૈનિકો પોતાના જીવની કુરબાની આપી રહ્યા છે. અને આપણે આતંકવાદીઓને આશરો આપનારા દેશની સાથે ક્રિકેટની મજા માણી રહ્યા છીએ, તેનાથી પીડિત પરિવારોની લાગણી દુભાઈ શકે છે. રાષ્ટ્રની ગરીમા અને નાગરિકોની સુરક્ષા મનોરંજન કરતાં મહત્ત્વની છે.