- ઓક્ટોબર, 2025માં બેકારીનો દર 5.2 ટકા હતો
- મજબૂત ગ્રામીણ રોજગારી અને મહિલાઓની ભાગીદારી વધવાને કારણે નવેમ્બરમાં બેકારીના દરમાં ઘટાડો જોવા મળ્યો
- ગ્રામીણ બેકારી ઘટીને 3.9 ટકા, શહેરી બેકારી ઘટીને 6.5 ટકા જે ચાલુ વર્ષે સૌથી નિમ્ન સ્તરે
નવી દિલ્હી : ભારતનો બેકારીનો દર નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૪.૭ ટકા રહ્યો છે જે છેલ્લા આઠ મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓક્ટોબર, ૨૦૨૫માં બેકારીનો દર ૫.૨ ટકા હતો. મજબૂત ગ્રામીણ રોજગારી અને મહિલાઓની ભાગીદારી વધવાને કારણે નવેમ્બરમાં બેકારીના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. શ્રમ બજારની સ્થિતિમાં સુધારોે થવાથી આ ઘટાડો સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં વ્યાપક રહ્યો છે.
ગ્રામીણ બેકારી ઘટીને ૩.૯ ટકા થઇ છે જે એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે છે. જ્યારે શહેરી બેકારી ઘટીને ૬.૫ ટકા થઇ છે. જે ચાલુ વર્ષે નોંધાયેલા સૌથી નિમ્ન સ્તર જેટલી જ છે.
નોકરીઓની સ્થિતિમાં સુધારાની સાથે શ્રમ બળની ભાગીદારીમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી છે. ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યકિતઓ માટે શ્રમ બળ ભાગીદારી દર (એલએફપીઆર) નવેમ્બરમાં વધીને ૫૫.૮ ટકા થઇ ગયો છે. જે એપ્રિલ પછીનો મહત્તમ દર છે.
આ વધારો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં થયો છે. જ્યાં ભાગીદારી સતત મજબૂત થઇ રહી છે. જ્યારે શહેરી એલએફપીઆર પાંચ મહિનાના નીચલા સ્તર ૫૦.૪ ટકા પર આવી ગયો છે.
મહિલા ભાગીદારી વધવાને કારણે શ્રમ બજારની સ્થિતિ મજબૂત બની છે. નવેમ્બરમાં એલએફપીઆર વધીને ૩૫.૧ ટકા થઇ ગયો છે. આમ જૂન મહિનાથી સતત વધવાનું વલણ આ મહિને પણ જારી રહ્યું હતું.
પુરુષો અને મહિલાઓની વચ્ચે બેકારીના અંતરમાં ઘટાડો થયો છે. પુરુષોની બેકારી ૪.૬ ટકા જ્યારે મહિલાઓની બેકારી ૪.૮ ટકા રહી છે. જેના કારણે બંને વચ્ચેનું અંતર ઘટીને ૦.૨ ટકા રહ્યું છે.
યુવા બેકારી નવેમ્બરમાં ૧૪.૧ ટકા નોંધવામાં આવી છે. જે ઓક્ટોબરમાં ૧૪.૯ ટકા હતી. જે રોજગારીની સંભાવનાઓમાં વૃદ્ધિ દર્શાવે છે.
બેકારીમાં ઘટાડો અર્થતંત્ર માટે એક મહત્ત્વપૂર્ણ તબક્કે જોવા મળ્યો છે કારણકે આરબીઆઇએ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વૃદ્ધિમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. મજબૂત શ્રમ બજાર નજીકના ગાળામાં ધીમી આર્થિક ગતિની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે.


