Unclaimed bank deposits: કેટલીકવાર તમારા અથવા તમારા કોઈ પરિચિત લોકોના જૂના બેંક એકાઉન્ટ સમય જતાં નિષ્ક્રિય થઈ જાય છે. લોકો તેના પર ધ્યાન પણ આપતા નથી, અને તેમના પૈસા ખાતામાં જ રહે છે. જો તમારી અથવા તમારા કોઈ પરિચિતના બેંકમાં દાવો ન કરાયેલા પૈસા હોય, તો તમારે તેને ઉપાડવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
ભારતીય રિઝર્વ બેંક (RBI) આ સ્થિતિમાં સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. તમે અથવા તમારા કાનૂની વારસદાર થોડા સરળ સ્ટેપ ફોલો કરીને આ પૈસા પાછા મેળવવા માટે દાવો કરી શકો છો.
RBI શું કહે છે?
RBI અનુસાર સમગ્ર દેશભરમાં કરોડો રૂપિયા અનક્લેમ્ડ રીતે પડ્યા છે. જો કોઈના ખાતામાં બે વર્ષથી કોઈ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો ન હોય અથવા જો 10 વર્ષથી બેંક ખાતું નિષ્ક્રિય હોય તો RBI આ અનક્લેમ્ડ ડિપોજીટને DEA (ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ) ફંડમાં ટ્રાન્સફર કરી દે છે.
જોકે, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. તમે અથવા તમારા કાનૂની વારસદાર આ પૈસા માટે દાવો કરી શકો છો. RBI એ દાવો કરવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે તેનો અર્થ એ થયો કે જો તમને ખબર પડે કે, કોઈ દાવો ન કરાયેલા ખાતામાં પૈસા છે અને તમે તેના કાનૂની વારસદાર છો, તો તમે તેનો દાવો કરી શકો છો.
દાવો ન કરાયેલા ખાતાઓ અને દાવાની માહિતી
જો તમે જાણવા માંગતા હો કે તમારા અથવા તમારા પરિવારના બેંક એકાઉન્ટમાં અનક્લેમ્ડ રકમ પડી છે કે નહીં, તો તમારે RBI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. તમારું અથવા તમારા પરિવારના સભ્યનું નામ શોધો. તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશભરના વિવિધ જિલ્લાઓમાં અનક્લેમ્ડ રકમ પર સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં તમે સીધી માહિતી મેળવી શકો છો.
તમે તમારા અનક્લેમ્ડ રકમ પરત મેળવવા માટે કોઈપણ બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. ત્યા ક્લેઇમ કરવા માટેનું ફોર્મ ભરીને તેની સાથે આધાર, મતદાર ID અથવા પાસપોર્ટ જેવા KYC દસ્તાવેજો સબમિટ કરી શકો છો. જો તમે વારસદાર તરીકે દાવો કરી રહ્યા છો, તો મૃત્યુ પ્રમાણપત્ર જેવા કાનૂની દસ્તાવેજો સબમિટ કરો. ચકાસણી પછી બેંક RBI ના DEA ફંડમાંથી તમને પૈસા ટ્રાન્સફર કરશે. આ માટે કોઈ વધારાની ફી નથી.


