Get The App

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય 1 - image


British Royal Navy Fighter Jet F-35B: કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ રૉયલ નેવીના F-35B ફાઈટર જેટનું 14 જૂનના રોજ ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું. 19 દિવસ બાદ પણ આ વિમાનની ટેક્નિકલ ખામી દૂર થઈ શકી નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, ફાઈટર જેટનું સમારકામ શક્ય ન હોવાથી તેના ટુકડાં ટુકડાં કરી કાર્ગો વિમાન મારફત બ્રિટન પરત લઈ જવામાં આવશે.

વિમાનનું સમારકામ શક્ય નથી

આ ફાઈટર જેટનું સમારકામ કરવાનો છેલ્લા 19 દિવસથી પ્રયાસ થઈ રહ્યો હતો. તેમ છતાં 5th જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર જેટ એન્જિનિયરિંગ ખામીના કારણે ઉડાન ભરવા સક્ષમ નથી. વિમાનને ફરીથી ઉડાન ભરવા માટે તૈયાર કરવાના તમામ પ્રયાસો અત્યારસુધી નિષ્ફળ રહ્યા છે. જેથી વિમાનના ટુકડાં કરી તેને પરત વતન લઈ જવા મજબૂર બન્યા છે.

યુકેની ટીમની ગેરહાજરી

F-35B ફાઈટર જેટનું સમારકામ કરવા યુકેની એન્જિનિયરિંગ ટીમ કેરળ આવવાની હતી. પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સમારકામ માટે 30 એન્જિનિયરનું એક ગ્રૂપ તિરુવનંતપુરમ પહોંચવાનો આશાવાદ હતો. પરંતુ હજી સુધી આ ટીમ આવી નથી.

જેટના ટુકડાં કરવામાં આવશે

ફાઈટર જેટની ફરી ઉડાન ભરવા માટે કોઈ આશાનું કિરણ ન જણાતાં  બ્રિટિશ અધિકારીઓ હવે વિમાનને પાછું લાવવા માટે વૈકલ્પિક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. લશ્કરી પરિવહનના દૃષ્ટિકોણથી વિમાનને પાછું લઈ જવા માટે વિમાનને આંશિક રીતે તોડી પાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ ઉભરી આવ્યો છે. અહેવાલો અનુસાર, બ્રિટન હવે આ ફાઇટર જેટને C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં પાછું લઈ જવાનું વિચારી રહ્યું છે, વિમાનના ભાગોને તોડી પાડવા અને ગ્લોબમાસ્ટર દ્વારા સુરક્ષિત રીતે પાછા લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની હોકી ટીમ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

એરપોર્ટ પર થયુ હતું ઇમરજન્સી લેન્ડિંગ

HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ F-35B જેટ કેરળના દરિયાકાંઠે 100 નોટિકલ માઇલ દૂર હતું, ત્યારે ખરાબ હવામાન અને ઇંધણના અભાવે ઈમરજન્સીમાં વિમાનને તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ સલામત ઉતરાણમાં મદદ કરી અને રિફ્યુઅલિંગ અને લોજિસ્ટિક્સ પહોંચાડવામાં મદદ કરી હતી.

જોકે, જ્યારે ફાઇટર જ્યારે તેના એરક્રાફ્ટ કેરિયરમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પ્રી-ટેકઓફ ચેક દરમિયાન હાઇડ્રોલિક ફેલ્યોર થયો હોવાની જાણ થઈ હતી. આ સમસ્યા ગંભીર માનવામાં આવે છે કારણ કે તે જેટની સુરક્ષિત રીતે ઉડાન ભરવા અને ઉતરાણ કરવાની ક્ષમતાને અસર કરી શકે છે. ત્રણ ટેકનિશિયનોની એક નાની રોયલ નેવી ટીમે આ ખામી સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમસ્યાની જટિલતાને કારણે તેઓ સફળ થયા નહીં.

CISFની કડક સુરક્ષા હેઠળ ફાઇટર જેટને એરપોર્ટના Bay-4 માં પાર્ક કરવામાં આવ્યું છે. કેરળમાં વરસાદ હોવાથી શરૂઆતમાં રોયલ નેવીએ જેટને હેંગર વડે ખસેડવાના એર ઇન્ડિયાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. બાદમાં, બ્રિટિશ નેવીએ જેટને હેંગરમાં ખસેડવા સંમતિ આપી હતી.

કેમ ખાસ છે F-35?

F-35 ની ગણતરી વિશ્વના સૌથી મોંઘા અને અદ્યતન ફાઇટર જેટમાં થાય છે. આ 5th જનરેશનના સ્ટીલ્થ એરક્રાફ્ટ મુખ્યત્વે અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવે છે. આ ફાઇટર જેટ તેની હાઇ-ટેક સ્ટીલ્થ ડિઝાઇન, રડાર અને ડેટા ફ્યુઝન સિસ્ટમ્સ માટે જાણીતા છે, જે યુદ્ધમાં દુશ્મનને હરાવવાની ક્ષમતા ધરાવે છે. એક એરક્રાફ્ટની કિંમત 110 મિલિયન ડોલર એટલે કે લગભગ 950 કરોડ રૂપિયા છે.

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય 2 - image

Tags :