મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર
Maharashtra Politics News : મહારાષ્ટ્રમાં અવાર-નવાર કંઈક ને કંઈક નવા-જૂની થતી રહે છે. અહીં ક્યારેક રાજકીય ઉથલ-પાથલો થતી રહે છે, તો ક્યારેક ભાષાકીય વિવાદને લઈ રાજકારણ ગરમાતું રહે છે. એટલું જ નહીં, જો શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે ક્યાંક ભેગા થાય, તો પણ નવી-નવી અટકળો શરૂ થઈ જાય છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ એક રહસ્યમય પોસ્ટર શેર કરીને રાજકીય ખળભળાટ મચાવી રહ્યો છે.
ઉદ્ધવની પાર્ટીએ શેર કર્યું પોસ્ટ
શિવસેના યુબીટીએ શેર કરેલા પોસ્ટમાં લખાયું છે કે, ‘નક્કી થઈ ગયું છે, 5 જુલાઈ, મરાઠીઓની વિજય રેલી!! ઠાકરે આવી રહ્યા છે.’ ઉદ્ધવ-રાજ ઠાકરેની વાત કરીએ તો બંને નેતાઓ ગઠબંધન કરવાના હોવાની અવાર-નવાર ચર્ચાઓ થતી રહે છે, ત્યારે આ પોસ્ટર બાદ બંને ભાઈઓ મંચ પર એક થવાની અટકળો તરીકે જોવામાં આવી રહી છે.
શાળામાં હિન્દી ફરજીયાત કરવાના વિરોધમાં ઉદ્ધવ-રાજ મંચ પર સાથે આવવાના હતા
વાસ્તવમાં ફડણવીસ સરકારે રાજ્યમાં હિન્દી ભાષા ફરજીયાત કરવાના નિર્ણય પાછો ખેંચી લીધો છે. જ્યારે પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરિજ્યાત બનાવવાના નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે ઉદ્ધવ-રાજની પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રેલી યોજી મંચ પર ઉદ્ધવ-રાજ સાથે આવવાના હતા. જોકે વિપક્ષના વિરોધના કારણે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે શાળામાં હિન્દી ફરજીયાતનો નિર્ણય પરત ખેંચી લીધો છે. આવી સ્થિતિમાં એવો સવાલ થઈ રહ્યો છે કે, જાહેર મંચ પર સાથે આવવાની ઠાકરે બંધુઓની યોજનાનું શું થશે?
ઠાકરે બંધુના ગઠબંધનની ચર્ચા વચ્ચે શિવસેના યુબીટી ‘મરાઠીઓની વિજય રેલી’ યોજશે
આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ પાંચમી જુલાઈએ ‘મરાઠીઓની વિજય રેલી’ તરીકે યોજવાની જાહેરાત કરી છે. એકતરફ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, બીજીતરફ ઠાકરે બંધુ વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે શિવસેના યુબીટીએ નવું પોસ્ટર શેર કરતા રાજકારણ ગરમાયું છે.
ઠાકરે બંધુઓની પાર્ટીઓએ 6-7 જુલાઈએ વિરોધ કાર્યક્રમની તૈયારી કરી હતી
ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે (26 જૂન) મહારાષ્ટ્ર સરકાર પર રોષ ઠાલવતા પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરિજ્યાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ આ મામલે છ અને સાત જુલાઈના રોજ અલગ-અલગ વિરોધ કરવાની તૈયારી પણ દર્શાવી બતી. તેમની આ ગતિવિધિથી લગભગ બે દાયકા બાદ બંને પક્ષો એકજૂટ થવાની સંભાવનાઓ તીવ્ર બની છે. શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મહાયુતિ સરકારનો નિર્ણય રાજ્યમાં 'લેંગ્વેજ ઈમરજન્સી' લાદી રહ્યો છે. પક્ષ હિન્દી ભાષાની વિરૂદ્ધમાં નથી. મહાયુતિ સરકાર જબરદસ્તી હિન્દી ભાષા લોકો પર થોપી મહારાષ્ટ્રમાં મરાઠી અને હિન્દી બોલતા લોકો વચ્ચે ઝેર ઘોળવા માગે છે.