બ્રહ્મોસથી પણ ઘાતક અને 8 હજાર કિમીની રેન્જ ધરાવતી મિસાઇલનું પરીક્ષણ કરશે ભારત, માત્ર 5 દેશો પાસે છે આ સિસ્ટમ
India K-6 Hypersonic Missile : ભારત બ્રહ્મોસથી પણ ઘાતક અને 8000 કિલોમીટરની રેન્જ ધરાવતી K-6 હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે. આ મિસાઇલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવાઈ છે. રિપોર્ટ મુજબ ભારત આ મિસાઇલને S-5 ક્લાસની પરમાણુ સબમરીનમાં તહેનાત કરી શકે છે. ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ K6ની સ્પીડ અને રેન્જની વાત કરીએ તો તે બ્રહ્મોસ મિસાઇલથી પણ ખતરનાક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, વિશ્વમાં માત્ર પાંચ દેશો પાસે જ આવી મિસાઇલ છે.
K-6 મિસાઇલની સ્પીડ પ્રતિ કલાક 9200 કિ.મી.
હૈદરાબાદ સ્થિત ડીઆરડીઓમાં બની રહેલી K-6 મિસાઇલ ભારતની સૌથી ઘાતક મિસાઇલોમાંથી એક છે. K-6ની ખાસીયત એ છે કે, તેને પરમાણુ સબમરીનથી લોન્ચ કરી શકાશે. આ મિસાઇલ S-5 ક્લાસની પરમાણુ સબમરીનથી લૉન્ચ કરી શકાશે અને તે અરિહંત ક્લાસની સબમરીનથી મોટી અને વધુ શક્તિશાળી હશે. તેની સ્પીડ એક કલાકમાં 9200 કિલોમીટર છે. તેની ઓપરેશનલ રેન્જ 8000 કિલોમીટર છે. એટલે કે તે થોડીક જ મિનિટોમાં દુશ્મનના વિસ્તારમાં ઘૂસી ખાતમો કરી શકશે. હાઇપરસોનિક સ્પીડ હોવાના કારણે મિસાઇલ મોટાભાગની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકશે અને દુશ્મનને પણ વળતો જવાબ આપવાનો સમય નહીં મળે.
ટાર્ગેટ ગમે તે બાજુ ભાગે, K-6 મિસાઇલ તેને છોડશે નહીં
K-6 મિસાઇલની સૌથી મોટી ખાસીયત ‘મલ્ટીપલ ઇન્ડિપેન્ડેટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટૅક્નોલૉજી’ છે. એટલે કે ટાર્ગેટ ગમે ત્યાં ભાગે, ગમે ત્યાં જાય, પરંતુ K-6 મિસાઇલ તેને છોડશે નહીં. આ ટૅક્નોલૉજીથી એક જ મિસાઇલ અનેક ટાર્ગેટ પર ખાતરીપૂર્વક હુમલો કરી શકે છે. પરમાણુ અને ટ્રેડિશનલ બંને પ્રકારના વારહેડ કેરી કરી શકતી આ મિસાઇલનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં સરળતાથી કરી શકવાની પણ ક્ષમતા છે. હાલ ભારત પાસે 3500 કિલોમીટરની રેન્જ ધરાવતી K-4 અને 6000 કિલોમીટરની રેન્જ ધરાવતી K-5 બેલેસ્ટિક મિસાઇલ છે. આ બંને મિસાઇલ સબમરીથી લોન્ચ કરી શકાય છે. જોકે K-6 બંને મિસાઇલોનું અપગ્રેડેડ વર્જન છે.
માત્ર કેટલાક દેશો પાસે જ આવી મિસાઇલ
K-6 મિસાઇલની સ્પીડ અને વિનાશકારી ક્ષમતા બ્રહ્મોસ મિસાઇલથી પણ ખતરનાક છે. તેની લંબાઈ 12 મીટરથી વધુ અને પહોંળાઈ બે મીટરથી વધુ છે. આવી ઍડ્વાન્સ હાઇપરસોનીક અને MIRV-ઇક્વિડ મિસાઇલ સિસ્ટમ માત્ર કેટલાક દેશો પાસે છે અથવા તો તેઓ બનાવી રહ્યા છે. જે દેશો પાસે આવી મિસાઇલ છે, તેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગ્ડમનો સમાવેશ થાય છે, તેથી K-6 મિસાઇલ બનાવનાર ભારત પણ તેમાં સામેલ થવાની તૈયારીમાં છે.