રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ
Rahul Gandhi Hosts INDIA Bloc Dinner: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા વિવાદ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત ડિનરમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવાનો વિવાદ બિનજરૂરી છે.' નોંધનીય છે કે, ગુરુવારે (સાતમી ઓગસ્ટ) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધનના નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં હાજર હતા. તસવીરોમાં તે છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિવાદ સર્જાયો હતો.
વોટ ચોરી પર શરદ પવારે શું કહ્યું?
નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે કહ્યું કે, 'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપનું સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે અને તે દસ્તાવેજો પર આધારિત છે. આ મામલાની તપાસ કરવાનું કામ ચૂંટણીપંચ (ECI)નું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા વિપક્ષ મહા વિકાસ અઘાડીએ વધુ સાવચેત રહેવું જોઈતું હતું. આ વાત પહેલા ધ્યાનમાં લેવી જોઈતી હતી અને સાવચેતી રાખવી જોઈતી હતી.'
આ પણ વાંચો: શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે શરદ પવારે દાવો કર્યો હતો કે, વર્ષ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બે લોકો મને નવી દિલ્હીમાં મળ્યા હતા અને 288 બેઠકોમાંથી 160 બેઠક પર વિપક્ષની જીતની ખાતરી આપી હતી. મે આ બંનેનો પરિચય વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કરાવ્યો હતો. જોકે, બંને વ્યક્તિઓના દાવાઓને કોઈ મહત્ત્વ આપ્યું ન હોવાથી, અમારી પાસે તેમના નામ અને સંપર્ક વિગતો નથી.'
રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો?
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને સંસ્થાકીય ચોરી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, 'ચૂંટણી પંચ ગરીબોના મતદાન અધિકાર છીનવી લેવા માટે આ ચોરી કરવા માટે ભાજપ સાથે ખુલ્લેઆમ સાંઠગાંઠ કરી રહ્યું છે.'