VIDEO: મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ? CM ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે બંધબારણે બેઠક
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે (17 જુલાઈ, 2025) એક મોટી રાજકીય હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જુથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે મુલાકાત થઈ હતી. આ બેઠક વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેના કક્ષમાં અંદાજિત 20 મિનિટ સુધી ચાલી. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. આજની મુલાકાતને મહારાષ્ટ્રની રાજનીતિમાં સંભવિત નવા સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવે છે.
કયા મુદ્દે થઈ ચર્ચા?
શિવસેના (UBT)એ આ અંગે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને MLC ચેરમેનની ઑફિસમાં મળ્યા અને તેમને મહારાષ્ટ્રમાં ત્રીજી ભાષા અને હિન્દી લાદવાના વિચારનો વિરોધ કરતાં સમાચાર લેખોનો સંગ્રહ આપ્યો હતો.
આદિત્ય ઠાકરેએ આપી પ્રતિક્રિયા
ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત અંગે શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરે કહ્યું કે, 'આજે અમે તેમને ઘણા પત્રકારો અને સંપાદકો દ્વારા લખાયેલ ધોરણ 1થી ત્રણ ભાષા નીતિ કેમ ન હોવી જોઈએ તેના લેખોનું પુસ્તક આપ્યું.'
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું
ગઈકાલે જ ફડણવીસે આપી હતી ઓફર
ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં પોતાના જૂના સાથી રહેલા ઉદ્ધવ ઠાકરેને સત્તા પક્ષમાં સામેલ થવાની ઓફર આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 'જુઓ ઉદ્ધવ જી, 2029 સુધી અમારે ત્યાં (વિપક્ષમાં) આવવાનો કોઈ સ્કોપ નથી, પરંતુ તમે અહીં(સત્તા પક્ષ)માં આવી શકો છો, તેના પર વિચાર કરી શકાય છે. પરંતુ અમારે ત્યાં આવવાનો વિકલ્પ બચ્યો નથી.' જેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આવી બધી વાતો મજાકમાં લેવી જોઈએ.
મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ
ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગઠબંધનો અને સંઘર્ષો ચાલી રહ્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી) વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને મતભેદના કારણે ગઠબંધન તૂટી ગયું હતું, જ્યારબાદ ઉદ્ધવે મહાવિકાસ અઘાડી (MVA) બનાવીને સરકાર બનાવી હતી. જો કે, 2022માં એકનાથ શિંદેના વિદ્રોહ બાદ ઉદ્ધવની સરકારનો અંત આવ્યો હતો. ત્યારબાદ ભાજપના સમર્થનથી એકનાથ શિંદેએ સરકાર બનાવી હતી.