રશિયાના ઓઇલ પર અમેરિકા પ્રતિબંધ લગાવે તો શું કરશે ભારત? પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ચિંતા ના કરો, જોઈ લઈશું
Petroleum Minister Hardeep Singh Puri: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયર કરાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. જે માટે અમેરિકા ટેરિફ જેવી ધમકીઓ પણ આપી રહ્યું છે. ટ્રમ્પે રશિયા પર યુક્રેન સાથે યુદ્ધ 50 દિવસમાં રોકવા અથવા ટેરિફનો સામનો કરવાની ધમકી આપી છે. ગઈકાલે NATOએ પણ સીઝફાયર ન થવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં રશિયા સાથે વેપાર કરનારા દેશોને 100 ટકા ટેરિફની ચેતવણી આપી છે. જેમાં ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલને ટાર્ગેટ કર્યા છે. જો કે, ભારત સરકારે આ મામલે પોતાનું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.
વિદેશ મંત્રાલયે આ મામલે ભારતીય નાગરિકની જરૂરિયાતો અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો હવાલો આપ્યો છે. જ્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ટેરિફની ધમકીઓ પર આકરો જવાબ આપ્યો છે કે, ચિંતા ન કરો, જોઈ લઈશું.
રશિયા પર પ્રતિબંધથી અડચણ નહીં થાય
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે પ્રતિબંધો લાદવાની ચીમકીઓ વચ્ચે હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, રશિયામાંથી આયાત પર પ્રતિબંધ લાદવામાં આવે તો પણ ભારત પાસે અનેક માર્ગો છે. ટેરિફ પ્રતિબંધોના કારણે પુરવઠા પર કોઈ અસર નહીં થાય. ભારત વૈકલ્પિક સ્રોતો પાસેથી પોતાની ક્રૂડ જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે.
કંઈ થશે તો જોઈ લઈશુંઃ પુરી
પુરીએ આગળ કહ્યું કે, ક્રૂડ માર્કેટમાં ગુયાના જેવા અનેક સપ્લાયર્સની એન્ટ્રી થઈ રહી છે. બ્રાઝિલ અને કેનેડા જેવા ઉત્પાદકો પણ પુરવઠો પૂરો પાડી રહ્યા છે. ભારત રશિયામાંથી આયાત સંબંધિત કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે આ દેશોની મદદ લઈ શકે છે. તદુપરાંત ભારત પણ એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન એક્ટિવિટીમાં વધારો કરી રહ્યું છે. તેમ છતાં કંઈ અસર થશે તો તેને જોઈ લઈશું.
40 દેશોમાંથી ખરીદે છે ક્રૂડ
ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ આયાત કરે છે. જે વિવિધ સ્રોતો પાસેથી આ પુરવઠો પૂરો પાડે છે. પહેલા ભારત 27 દેશો પાસેથી ક્રૂડ ખરીદતું હતું, જે હવે 40 દેશો પાસેથી ખરીદી કરે છે. રશિયા ભારતનું ટોચનું ઓઈલ ઈમ્પોર્ટર બન્યું છે. ભારતના કુલ પુરવઠાના લગભગ 35 ટકા હિસ્સો રશિયા પૂરો પાડે છે. ત્યારબાદ ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈમાંથી પુરવઠો ખરીદે છે.
ટ્રમ્પ અને NATO એ આપી ધમકી
ઉલ્લેખનીય છે, આ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ધમકી આપી હતી કે, તે 50 દિવસની અંદર યુક્રેન સાથે સીઝફાયર કરે અથવા તો 100 ટકા ટેરિફ સહિત અનેક વેપાર પ્રતિબંધોનો સામનો કરે. ત્યારબાદ ગઈકાલે NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ચેતવણી આપી હતી કે, જે પણ દેશ ખાસ કરીને બ્રાઝિલ, ચીન અને ભારત રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. તેમણે ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે. આ ત્રણેય દેશો રશિયા પાસેથી મોટાપાયે ક્રૂડ ખરીદે છે.