mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણી પછી અઢી મહિને આપના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા

Updated: Feb 22nd, 2023

ચૂંટણી પછી અઢી મહિને આપના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા 1 - image


- ભાજપના રેખા ગુપ્તાને 34 મતોથી હરાવ્યા

- ચોથા પ્રયત્ને દિલ્હીના મેયરની ચૂંટણી સફળ રહી : અગાઉની ત્રણ ચૂંટણી હોબાળાને પગલે સ્થગિત કરવી પડી હતી

નવી દિલ્હી : મ્યુનિસિપાલિટીની ચૂંટણી પૂર્ણ થયાના અઢી મહિના પછી દિલ્હીને મેયર મળ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવી દીધા છે. આ ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી.

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી આમ આદમી પાર્ટીએ આ પરિણામને દિલ્હીવાસીઓનો વિજય ગણાવ્યો છે. આપએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુંડાઓની હાર થઇ છે. આપના મેયર પદના ઉમેદવારનો ૩૪ મતોથી વિજય થયો છે.

કુલ ૨૭૪ મતોમાંથી આપના ૧૫૦ વોટ, ભાજપના ૧૧૩ વોટ અને અપક્ષના બે મત હતાં. ઓબેરોયને પોતાના પક્ષના તમામ મતો મળ્યા હતાં. ભાજપને પોતાની ક્ષમતા કરતા ત્રણ વધારે મત મળ્યા હતાં.

કુલ ૨૭૪ મતોમાં ૨૫૦ મત ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો, સાત મત ભાજપ લોકસભાનાં સાંસદો, ત્રણ આપના રાજયસભા સાંસદો, આપના ૧૩ ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્યના મતનો સમાવેશ થાય છે. 

એમસીડી હાઉસમાં કોંગ્રેસના ૯ કાઉન્સિલરો હતાં. પરિણામ જાહેર કરતી વખતે પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપ કાઉન્સિલર સત્ય શર્માએ મતદાનમાં ગેરહાજર રહેલા આઠ કાઉન્સિલરોના નામ જાહેર કર્યા હતાં. આ આઠેય કાઉન્સિલરો કોંગ્રેસના હતાં. દિલ્હી યુનિવર્સિટીના શિક્ષક ઓબેરોય યુનિફાઇડ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીના પ્રથમ મેયર બન્યા છે. ભાજપના ગુપ્તાને ૧૧૬ મત મળ્યા છે જે તેમના પક્ષના કુલ વોટ કરતા ત્રણ વધારે છે. 

દિલ્હીને ચોથા પ્રયત્ને મેયર મળ્યા છે. આ અગાઉ ત્રણ વખત ગૃહમાં હોબાળાને કારણે મેયરની ચૂંટણી સ્થગિત કરવાની ફરજ પડી હતી. એલજી દ્વારા નિમણૂક કરાયેલા નોમિનેટ કરાયેલા સભ્યોના મતદાન અંગે હોબાળો થતો હતો. અંતે આ બાબત સુપ્રીમમાં ગઇ હતી અને સુપ્રીમે જણાવ્યું હતું કે નોમિનેટેડ સભ્યો મતદાન ન કરી શકે.

Gujarat