હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન', જાણો નિયમ
Goa Trip: આજકાલ ટ્રાવેલિંગનો શોખ સતત વધી રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં સોલો ટ્રાવેલિંગ અર્થાત એકલા મુસાફરી કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. જેમાં ભારતમાં મોટાભાગના યુવાનોનું સપનું ફ્રેન્ડ્સ ટ્રીપ કે સોલો ટ્રીપમાં ગોવા ફરવાનું છે. આ પસંદગી અને લોકપ્રિયતાની સાથે સાથે ગોવા પ્રશાસને પ્રવાસીઓ-મુલાકાતીઓની સલામતી પર ભાર મૂક્યો છે. જેમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા પર ધ્યાન આપતાં સ્પેશિયલ ઝોન બનાવવાની જાહેરાત કરી છે.
મહિલાઓ માટે ખાસ સ્વિમિંગ ઝોન
જો કોઈ મહિલા એકલી સોલો ટ્રીપમાં ગોવા ફરવાની યોજના બનાવી રહી હોય તો તે સુરક્ષિત પોતાનો પ્રવાસ માણી શકે તે હેતુ સાથે ગોવા પ્રશાસન અને લાઈફગાર્ડ એજન્સી દ્રષ્ટી મરીને એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં મહિલાઓ માટે ખાસ સ્વિમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં આવેલા બીચ પર માત્ર મહિલાઓ જ દરિયામાં નાહી શકશે. અથવા બીચ પર આરામ કરી શકશે. આ ઝોનમાં પુરૂષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી મહિલાઓ મુક્તપણે અહીં વિહાર કરી શકશે.
આ પણ વાંચોઃ વિદેશ જઈને ભણવાની ઈચ્છા હોય તો આ રીતે મળશે સસ્તા દરે લોન, જાણો 5 સરકારી યોજના
મહિલાઓ માટે ત્રણ ઝોન
ગોવા પ્રશાસને ત્રણ ઝોન બનાવ્યા છે. જેમાં એક મહિલાઓ માટે, બીજો પુરૂષો માટે અને ત્રીજો ફેમિલી ઝોન છે. ગોવામાં અનેકવાર એકલી મહિલાઓ છેડતી, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફીનો ભોગ બની છે. જેથી મહિલાઓની ગોપનીયતા, સુરક્ષા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી આ ઝોન બનાવવામાં આવ્યા છે.
આ બીચ પર છે સ્પેશિયલ ઝોન
કેલાંગુટ બીચ
બાગા બીચ
અરામબોલ બીચ
કોલવા બીચ
મોર્જિમ બીચ
મીરામાર બીચ
બૈના બીચ
બોગમાલો બીચ
બાગા-2 બીચ
અશ્વેમ બીચ
લાઈફગાર્ડ્સની ટીમ હાજર
આ સુવિધા ભારતમાં પહેલીવાર શરૂ કરવામાં આવી છે. આ ઝોનમાં લાઇફગાર્ડ્સની ટીમ પણ સતર્ક હોય છે જેથી મહિલાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. દ્રષ્ટિ મરીનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40થી વધુ સ્પેશિયલ ઝોન માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમની સંખ્યા 100 સુધી પહોંચી શકે છે.